સુરત: શહેરની ખાનગી સોસાયટીઓની 30થી 35 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન હવે રહીશોને હેરાન કરી રહી છે. ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ ગઈ છે, તેના લીધે અવારનવાર ગંદું પાણી બેક મારે છે. આ ડ્રેનેજ લાઈન બદલવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
સુરત મહાનગર પાલિકાને ચોકઅપ ડ્રેનેજ લાઈનની અનેક ફરિયાદો મળી છે. તેથી આ લાઈનોનો સરવેની કામગીરી ઝોન અને ડ્રેનેજ વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. સેન્ટ્રલ ઝોનમાં એક સોસાયટીમાં જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. હવે આગામી દિવસોમાં શહેરની 50 ખાનગી સોસાયટીમાં જૂની ડ્રેનેજ લાઈન બદલી નવી નાંખવામાં આવશે.
ડ્રેનેજ લાઈન અંગે સૌથી વધુ ફરિયાદ સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોનમાંથી આવી છે. અનેક અરજીઓ પાલિકાને મળી છે. તેથી આ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનનું નેટવર્ક અપગ્રેડ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. તે માટે પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
વિચારણાના અંતે પાલિકા દ્વારા આ વિસ્તારોમાં લાઇન બદલવાનો નિર્ણય કરાયો છે. કોટ વિસ્તાર અને કતારગામ-રાંદેર અને અઠવા ઝોન સહિત અન્ય ઝોનમાં કેટલીક સોસાયટીઓમાં થી 35 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન છે તેને બદલવા માટે અરજીઓ આવી છે, તે અરજીઓ પર ઝોનના ડ્રેનેજ વિભાગ અને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે કન્સલ્ટન્ટ પાસે સર્વે કરાવીને મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ ડ્રેનેજ લાઈન બદલવામાં આવશે.
તાજેતરમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 4માં આવેલી એક સોસાયટીમાં 35 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવી છે. તે ઉપરાંત અઠવા ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 22 અને ઉધના એ ઝોનમાં 2, લિંબાયત ઝોનમાં 12 સહિત 50 જેટલી ખાનગી સોસાયટીઓમાં જર્જરિત થયેલી લાઇન બદલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.