પતિને વિદેશ મોકલવા બાપના ઘરેથી રૂ.દસ લાખ લાવવા દબાણ કરી પહેરેલ કપડે જ કાઢી મુકી
(પ્રતિનિધિ) આણંદ તા.1
આણંદ શહેરના ઇસ્માઇલનગરમાં રહેતી પરિણીતાને લગ્નજીવન દરમિયાન દિકરીનો જન્મ થતાં સાસરિયાએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમાંય પતિને વિદેશ મોકલવા માટે પિયરમાંથી રૂ.દસ લાખ દહેજ લાવવા દબાણ કરી પહેરેલ કપડે જ કાઢી મુકી હતી. આ અંગે આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના ઇસ્માઇલનગરમાં રહેતા સુજાનબહેનના લગ્ન મુસ્તકીમ રફીકભાઈ વ્હોરા (રહે. હાજી ચોક, ઇસ્માઇલનગર) સાથે 24મી જાન્યુઆરી,2021ના રોજ થયાં હતાં. આ લગ્નજીવનમાં તેમને બે વર્ષ પહેલા એક દિકરી હુશનાનો જન્મ થયો હતો. જોકે, દિકરીના જન્મ બાદ સાસરિયાઓનું વર્તન બદલાઇ ગયું હતું. સુજાનબહેન સાસરીમાં રહેવા ગયા બાદ સાસુ – સસરા અને પતિએ ઝઘડો કરી મારઝુડ કરી હતી. આ અંગે સમાજના વડીલો દ્વારા સમજાવવા છતાં કોઇ ફર્ક પડ્યો નહતો. નાની નાની વાતોમાં વાક ગુના કાઢી હેરાન પરેશાન કરતાં હતાં અને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આ અંગે સમાધાન ન થતાં મહિલા પોલીસ મથકે અરજી આપી હતી. આખરે ઘર બેઠા સમાધાન કર્યું હતું.
દરમિયાનમાં 6ઠ્ઠી નવેમ્બર,2023ના રોજ સુજાનબહેન કામ પતાવી બેઠાં હતાં, તે સમયે તેનો પતિ, સાસુ – સસરા આવ્યાં હતાં અને મુસ્તકીમને વિદેશ મોકલવાનો છે. તો તારા બાપના ઘરેથી રૂ.દસ લાખ લઇ આવ. તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ધમકી આપી હતી કે, જો તું નહીં લાવે તો તને મારા ઘરમાં રાખવાની નથી. તેમ કહી મારઝુડ કરી પહેરેલ કપડે કાઢી મુક્યાં હતાં. આ બના બાદ સુજાનબહેન પિયર આવતા રહ્યાં હતાં. આ અંગે સમાધાન કરવા છતાં પતિ મુસ્તકીમને સમાધાન કરવાની ના પાડી હતી. આખરે આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મુસ્તકીમ રફીક વ્હોરા, જાકેરાબહેન રફીક ઇબ્રાહીમ વ્હોરા અને રફીક ઇબ્રાહીમ વ્હોરા (રહે. હાજી ચોક, ઇસ્માઇલનગર, આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.