નવી દિલ્હી: IPL 2024માં RCB vs KKR મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને સામને થવાના હતા. હકીકતમાં જ્યારે પણ કોહલી અને ગંભીર સામસામે આવે છે ત્યારે વાતાવરણ ગરમ રહે છે.
IPLની પાછલી સિઝનમાં જ્યારે ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો ત્યારે તેની વિરાટ કોહલી સાથે મેદાન પર લડાઈ થઈ હતી, જયારે IPL 2013માં જ્યારે ગંભીર KKRનો કેપ્ટન હતો ત્યારે પણ તેની કોહલી સાથે લડાઈ થઈ હતી. ગૌતમ ગંભીર આ વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે. તેથી ચાહકો આ વર્ષે શું થાય છે તે જોવા માટે ઉત્સાહિત હતા.
શુક્રવારની મેચમાં ડ્રીન્ક્સ બ્રેક વખતે જ્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો આમનો સામનો થયો ત્યારે ચાહકોના દિલની ધડકન વધી ગઈ હતી. વિરાટ કોહલી ત્યારે સારી બેટિંગ કરી રહ્યો હતો. મેદાન પર ગૌતમ ગંભીર પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યો ત્યારે કોહલી અને ગંભીર બંને એકબીજાની એકદમ નજીક આવી ગયા હતા. ચાહકો, કોમેન્ટેટર સૌ કોઈની નજર કોહલી અને ગંભીર પર સ્થિર થઈ ગઈ હતી.
જો કે, ચાહકોની અપેક્ષાથી વિરુદ્ધ મેદાન પર બન્યું હતું. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંનેએ પરિપક્વતા બતાવી હતી. બંને જણા એકબીજાને ખૂબ જ પ્રેમપૂર્વક મળ્યા હતા. આ સાથે બંનેએ ઝઘડા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. બંને ખેલાડીઓ હાથ મિલાવતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.
વિરાટ-ગંભીરના આ ભરત મેળાપ પર દિલ્હી પોલીસે પોસ્ટ કરી, જે હાલ વાયરલ થઈ રહી છે.
દિલ્હી પોલીસે કોહલી અને ગંભીરની તસવીર ફેસબુક પર શેર કરી અને લખ્યું, 112 કોઈપણ સમસ્યામાં મદદ કરવા તૈયાર છે. ફોટોની વાત કરીએ તો તેમાં લખ્યું છે કે, ‘ઝઘડો થયો?’ 112 ડાયલ કરો અને લડાઈને શાંત કરો… કોઈ લડાઈ વિરાટ કે ગંભીર હોતી નથી. દિલ્હી પોલીસની આ પોસ્ટ અત્યારે ઘણી ચર્ચામાં છે.