સુરત(Surat): છેલ્લાં એક મહિનામાં શહેરમાં આગજનીની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરના ત્રણ નેતાના ઘરમાં આગ લાગવાના બનાવ બન્યા છે. આ ઘટનાઓ બાદ શહેરનું ફાયર વિભાગ એલર્ટ થયું છે. ફાયર ડિપાર્ટમેન્ટે શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો સંબંધિત ચેકિંગ હાથ ધર્યું છે અને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે ડીંડોલીમાં બે કોમ્પલેક્સને સીલ મારવામાં આવ્યા છે.
શહેરમાં તક્ષશિલા (TaxShila) દુર્ઘટના બન્યા બાદ સુરત મનપા (SMC) તંત્ર અને ફાયર બ્રિગેડ (Fire Brigade) દોડતું થયું હતું. શહેરમાં ફાયર સેફ્ટીના નિયમો સઘન કરાયા હતા. નિયમોનું પાલન નહીં કરનારા વિરુદ્ધ દરોડા કાર્યવાહી કરાઈ હતી. નોટીસો મોકલાઈ હતી. તેમ છતાં હજુ સુધી શહેરમાં ફાયર સેફ્ટીના (Fire Safety) મામલામાં ગંભીરતા જોવા મળી રહી નથી.
દરમિયાન છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન આગની ઘટના વધતા ફરી ફાયર વિભાગ એલર્ટ થયું છે. આજે પાલિકાના ફાયર બ્રિગેડે ડીંડોલી ગોડાદરામાં કમર્શિયલ કોમ્પલેક્સમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ગોડાદરાના બે કમર્શિયલ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડે ગોડાદરાના રાજ એમ્પાયર અને માધવ શોપિંગને સીલ માર્યા છે.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ફાયર સેફ્ટીના સાધનો રાખવા મામલે આ બંને કમર્શિયલ કોમ્પલેક્સના સંચાલકોને અગાઉ ત્રણ વાર નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવામાં આવ્યા નહોતા, જેથી આખરે આજે બંને કોમ્પલેક્સ સામે કડક કાર્યવાહી કરાઈ છે.
પાલિકાના ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા ટીમો બનાવીને વહેલી સવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બન્ને કોમ્પલેક્સને સીલ મરાયા છે ફાયરબ્રિગેડના દિશાનિર્દેશ પ્રમાણે ફરીથી જ્યારે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આવશે ત્યારે સીલ ખોલવામાં આવશે.