એન્ટી હ્યુમન ટ્રાફિક સ્ક્વોડની ટીમે સગીરાનું રેસ્કયુ કરી આરોપીની ચુંગાલમાં બચાવી
વડોદરા લાવ્યા બાદ બંનેને વાડી પોલીસને સોંપવામાં આવ્યાં
વાડી વિસ્તારમાંથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરીને 11 મહિનાથી નાસતા ફરતા અપહરણકારને સુરતમાંથી ઝડપી પાડ્યો હતો. હીરાના કારખાનામાં કામ કરતા હોવાની બાતમીના આધારે એએચટીયુની ટીમે ત્યાં પહોંચી સગીરાનું રેસ્કયુ કર્યા બાદ આરોપીને પણ દબોચી લીધો હતો. સગીરા અને આરોપીને વાડી પોલીસને સુપરત કરાયાં છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં વાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચે અપહરણ કરાયું હતું. જેની વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. એન્ટી હ્યુમન ટ્રાફિક સ્કવોડ ગુમ અને અપહરણનો ભોગ બન્યા હોય તેવા બાળકોની શોધખોળ કરી રહી હતી. દરમિયાન 28 માર્ચના રોજ એએચટીયુની ટીમને બાતમી મળી હતી કે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી સગીરા સાથે સુરત ખાતે રહે છે અને ત્યાં એક હીરાના કારખાનામાં કામ કરે છે. જેના આધારે એએચટીયુની ટીમ આરોપીને પકડવા માટે સુરત ખાતે રવાના થઇ હતી અને આરોપી સાથે સગીર બાળકીનું રેસક્યુ કરી અપહરણકાર વિજય જીતુ સોલંકી (રહે. ભોળાનગર સોસા. વરાછા સુરત મૂળ ગામ સામતેર તા. ઉના જિ.ગીર સોમનાથ)ને ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ આરોપી અને સગીરાને વાડી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યા છે. વાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.