National

દિલ્હીમાં AAPનો હંગામો: પંજાબના મંત્રી અને AAPના કાર્યકરોની દિલ્હી પોલીસે અટકાયત કરી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં પીએમ આવાસ પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. જેના કારણે દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પરંતુ દિલ્હી પોલીસે આ પ્રદર્શનની પરવાનગી આપી નથી. સાથે જ દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી પણ જારી કરી છે.

AAPના અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી
આમ આદમી પાર્ટીએ તેના એક્સ હેન્ડલ ઉપર પર એક વીડિયો સાથે પોસ્ટ શેર કરી છે. પોસ્ટ પર લખવામાં આવ્યું હતું કે પીએમના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહેલા AAP કાર્યકર્તાઓને પટેલ ચોક મેટ્રોમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જેમાં કાર્યકર્તાઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી પણ દિલ્હીમાં ફેલાયેલા હજારો કેજરીવાલથી ડરે છે. મોદી જ્યારે પણ ડરી જાય છે ત્યારે પોલીસને આગળ કરે છે.

AAP નેતા હરજોત સિંહ બેન્સની અટકાયત
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં પીએમ આવાસના ઘેરાવ સામે AAPના વિરોધ દરમિયાન પોલીસે પંજાબના મંત્રી અને AAP નેતા હરજોત સિંહ બેન્સની પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહારથી અટકાયત કરી હતી. પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર કલમ ​​144 લગાવી દીધી હતી.

પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થયા છે. આ લોકો અરવિંદ કેજરીવાલ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન પોલીસ તેમને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે.

દરમિયાન દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર AAP વિરોધીઓ માટે જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે. વિરોધ માટે કોઈ પરવાનગી નથી અને પાંચ મિનિટમાં જગ્યા ખાલી કરવી પડશે.

પોલીસે પીએમ આવાસ પર કડક સુરક્ષા ગોઠવી
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના કાર્યકર્તાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઘેરાવની જાહેરાતને પગલે પોલીસે લોક કલ્યાણ માર્ગ 7 પર સુરક્ષાનો કડક બંદોબસ્ત કરી દીધો છે. લોક કલ્યાણ માર્ગ 7એ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરી છે. દિલ્હી ટ્રાફિક પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિરોધને કારણે નવી દિલ્હી અને મધ્ય દિલ્હી વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ શકે છે.

પીએમ આવાસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ “મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થાના અનેક સ્તરો કરવામાં આવ્યા છે.” “સેક્શન 144 (ફોજદારી કાર્યવાહી સંહિતાની) વડા પ્રધાનના નિવાસની આસપાસ પહેલેથી જ અમલમાં છે અને કોઈને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”

કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપ પણ વિરોધ
આ સાથે જ બીજેપીએ પણ દિલ્હીના સીએમ સામે મોરચો કરવાનું નક્કી કર્યુ છે. ભાજપના નેતાઓ આજે દિલ્હી સચિવાલય સુધી વિરોધ માર્ચ કાઢવાના છે. ભાજપની માંગ છે કે કેજરીવાલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. દરમિયાન EDએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ પૂછપરછ દરમિયાન સવાલોના જવાબ નથી આપી રહ્યા.

Most Popular

To Top