પડોશમાં રહેતા બે વ્યક્તિઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીનો કરુણ અંજામ
અટલાદરા પોલીસે પાડોશી વિરુદ્ધ એટ્રોસિટી અને હથીયારબંધીના ભંગનો ગુનો દાખલ કરીને જેલ ભેગો કર્યો.
પાડોશમાં રહેતા બે અલગ સમાજના લોકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ અન્ય સમાજના વ્યક્તિ દ્વારા જાતિવિષયક શબ્દો બોલીને અગાઉ ઝગડો કર્યો હતો. અને ગત બુધવારે મૃતક પોતાના ભાઈના દીકરા સાથે ઉભા હતા તે દરમ્યાન પડોશીએ લાકડીથી માથાના ભાગે માર મારતા તેમને ગંભીર ઇજા પહોચી હતી જેથી તેઓ નજીકની હોસ્પીટલમાં સારવાર મેળવી રહ્યા હતા બાદમાં હાલત ગંભીર બનતા તેઓને સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જેથી અટલાદરા પોલીસ પાડોશી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી હતી.
બીલ ગામમાં આવેલા મઢી વિસ્તારમાં રહેતા મહેશભાઈ વસાવા તેમના માતા અને ભાઈના પરિવાર સાથે રહેતા હતા. પાડોશમાં રહેતા મેલસિંહ ઠાકોર તેમના બાજુના મકાનમાં જ રહેતા હતા. બન્ને પરિવાર વચ્ચે અવનવાર સામાન્ય બાબતે બોલાચાલી થતી રહેતી હતી. અગાઉ પણ બોલાચાલી દરમ્યાન મેલસિંહે લાકડી વડે મહેશભાઈ પર હુમલો કર્યો હતો પરંતુ સામાન્ય ઈજાને પગલે તેઓની જાનને કોઈ પ્રકારનું નુકશાન થયું ન હતું. ગત તા. ૨૦ બુધવારે બપોર દરમ્યાન મહેશભાઈ તેમના ઘરના આંગણામાં ઉભા હતા અને પોતાના ભાઈના દીકરા માટે હોળી નિમિતે કપડા , રંગો અને ધાણી – ખજુર લેવા જવા માટે જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક મેલસિંહ ઠાકોર પાછળથી આવીને લાકડીથી માથાના ભાગે વાર કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ઘર આંગણે લોહીનું ખાબોચ્યું ભરાઈ ગયું હતું. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર મેળવ્યા બાદ તેઓની હાલત ગંભીર થતા તેઓને વધુ સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અટલાદરા પોલીસને જાણ થતા તેઓએ આરોપીને ઝડપી પાડીને જેલ ભેગો કર્યો હતો અને તેની વિરુદ્ધ એટ્રોસિટી અને હથીયાર બંધીનો ભંગ કરવા બદલ ગુનો નોધવામાં આવ્યો હતો.