SURAT

‘તું ભલે લગ્ન કરે પણ પતિ સાથે સંબંધ રાખતી નહીં’, ભુવા કિર્તી માંડવીયાએ યુવતીની લાજ લીધી

સુરત(Surat): બે મહિના પહેલાં સામાજિક પ્રસંગમાં ભેગા થયેલા ભુવાએ યુવતીને પ્રેમજાળમાં (Love Trap) ફસાવી માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં તું ભલે લગ્ન કરે પણ પતિ સાથે સંબંધ રાખતી નહીં, જો સંબંધ રાખ્યા તો મામા દેવ તારા પિતાને મોત આપશે એવી ધમકી આપી યુવતીની જિંદગી બરબાદ કરી નાંખી છે.

મૂળ ભાવનગરના મહુવા તાલુકાની અને સુરતમાં કતારગામના બાપા સીતારામ ચોક પાસેની સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતી એ તાપી કિનારેના ગાંધારી આશ્રમના ભુવા કિર્તી માંડવીયા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ કતારગામ પોલીસ મથકે આપી છે.

આ કેસની વિગત એવી છે કે આશરે બે મહિના પહેલાં યુવતી તાપી નદી કિનારે આવેલા ગાંધારી આશ્રમ ખાતે પરિવારજનો સાથે ગઈ હતી. ત્યાં યુવતીનો પરિવાર સમાજના ભુવા કિર્તી માંડવીયાને મળ્યો હતો. આ દરમિયાન શરીરમાં મામાદેવ આવ્યા છે કુંવારી છોકરીને ચાંદલો કરવો પડશે તેવું કિર્તી માંડવીયાએ કહ્યું હતું. 20 વર્ષીય યુવતી તે સમયે કુંવારી હતી. તેથી તે ચાંદલો કરાવવા કિર્તી માંડવીયા પાસે ગઈ હતી. કિર્તી માંડવીયાએ તેણીને ચાંદલો કર્યો હતો. ત્યાર બાદ તમામ લોકો ઘરે જતા રહ્યાં હતાં.

થોડા દિવસ બાદ કિર્તી માંડવીયા એ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. ત્યાર બાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. મોબાઈલ પર બંને વાતચીત કરતા થયા હતા. દરમિયાન કિર્તી માંડવીયાએ વાતચીતમાં ફસાવી દોઢેક મહિના પહેલાં કતારગામ લલીતા ચોકડી પાસે આવેલા ગુજરાત મંચની ઓફિસે યુવતીને બોલાવી હતી. બપોરના સમયે યુવતી ગુજરાત મંચની ઓફિસે ગઈ હતી. યુવતી પહોંચતા જ કિર્તી માંડવીયાએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને પૈંડાનો પ્રસાદ ખવડાવ્યો હતો.

બાદમાં સંબંધ આગળ વધારવા કહી યુવતીને કિસ કરી દીધી હતી. યુવતીના કપડા ઉતાર્યા હતા. યુવતીને કશું ભાન રહ્યું નહોતું. થોડા સમય બાદ હોંશમાં આવી હતી. ત્યાર બાદ કિર્તી માંડવીયાએ સગાઈ તોડી નાંખ , બંને સાથે ભાગી જઈએ એવું કહ્યું હતું. યુવતી ના પાડી ઘરે જતી રહી હતી.

થોડા સમય બાદ કિર્તી માંડવીયાએ ફોન કરી ફરી પ્રેમ ભરી વાતો કરી હતી. દરમિયાન ગઈ તા. 3 ફેબ્રુઆરીના રોજ કિર્તી માંડીયાએ ફરી તેની ઓફિસે બોલાવી હતી. બપોરે 2 વાગ્યે યુવતી ત્યાં પહોંચી ત્યારે ફરી ઓફિસનો દરવાજો બંધ કરી પાણી પીવડાવ્યું હતું. જે પીતા જ યુવતી બેભાન થઈ ગઈ હતી. હોંશ આવતા પોતે કિર્તીના સોફા પર સુતેલી હતી. ગુપ્તભાગે અસહ્ય પીડા થતી હતી. તેથી કિર્તીએ કોઈ માદક પદાર્થ પીવડાવી દુષ્કર્મ કર્યું હોવાનું લાગતું હતું. કિર્તી માંડવીયાએ બાદમાં કહ્યું હતું કે, તું ભલે લગ્ન કરે પરંતુ તારા પતિ સાથે કોઈ સંબંધ રાખતી નહીં. નહીં તો તારા પિતાનું મામા દેવ અકાળે મોત લાવશે.

આ ઘટના બાદ યુવીતના તા. 29 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા. કિર્તી માંડવીયાએ આપેલી ધમકીના લીધે પિતાના મોતના ડર હોઈ યુવતીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખ્યા નહોતા. તેથી પતિ યુવતીને પરત પિયર મુકી ગયો હતો. પિયરવાળા વારંવાર પૂછતા આખરે સમગ્ર હકીકત જણાવી હતી.

પરિવારે હિંમત આપતા આખરે યુવતીએ ભુવા કિર્તી માંડવીયા (રહે. સુમન મંદિર આવાસ, વીઆઈપી સર્કલ, ઉત્રાણ, સુરત) સામે કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ આપી છે. યુવતીની ફરિયાદ લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top