Vadodara

સસ્પેન્ડ થયા બાદ શીનોરની શાળાના આચાર્યનો આપઘાતનો પ્રયાસ

આનંદી ગામના પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષામાં ચોરીનું સાહિત્ય મળતા આખા સ્ટાફની બદલી, આચાર્યે દવા પીધી

વડોદરાના જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઇસ્કૂલમાં 18 માર્ચના રોજ ધો. 10ના વિજ્ઞાનના પેપર દરમિયાન સુપરવાઇઝર પાસેથી પરીક્ષાના ઉત્તર લખેલુ સાહિત્ય મળી આવ્યું હતું. તે વિદ્યાર્થીઓને જવાબો લખાવતા હતા. આ ઘટના સામે આવતા તુરંત જ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રિન્સિપાલે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓને ડભોઇની યુનિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
શહેર અને જિલ્લામાં એજ્યુકેશન ઇન્સપેક્ટર્સ સ્કવોડ તરીકે ધો.10 અને 12ના બોર્ડના પરીક્ષા કેન્દ્રોની સરપ્રાઇટ વિઝિટ લેતા હોય છે. સરકારી પ્રતિનિધિઓને પણ સૂચના આપવામાં આવી છે કે, તમામ બિલ્ડિંગમાં તપાસ કરતા રહે અને ક્યાંય કોઇ ઘટના જણાય તો તુરંત જ જાણ કરે. જેથી પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામના પરીક્ષા કેન્દ્ર ઉપર સુપરવાઇઝર પાસેથી પરીક્ષામાં લખાયેલા ઉત્તરોનું સાહિત્ય મળ્યું હતું. એ સરકારી પ્રતિનિધિને મળ્યું હતું અને એને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. આ કારણે પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો હતો. સરકારી પ્રતિનિધિએ શિક્ષણ નિરીક્ષકને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ હકીકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મૂકી હતી. એના આધારે એ પરીક્ષા કેન્દ્રના પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો હતો અને પ્રિન્સિપાલ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે તથા ખુલાસો કરવા માટે તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.

સુપરવાયઝરને પૂછતા તેણે પટાવાળાએ સાહિત્ય આપ્યાની વાત કરી હતી અને પટ્ટાવાળાએ પ્રિન્સિપાલે આપ્યાની વાત કહી હતી. તમામ કર્મચારીઓનો પક્ષ જાણવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રિન્સિપાલ વાસુદેવ પટેલે ઉત્તર લખેલુ સાહિત્ય આપ્યું હોવાનું સ્વીકાર્યું હતું. જેથી કેન્દ્ર સંચાલક એટલે શાળાના આચાર્ય વાસુદેવ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી થતી હોય તે તપાસ કરીને હાથ ધરવા માટે સંચાલક મંડળને સૂચના આપવામાં આવી હતી. આ મામલે સમગ્ર રિપોર્ટ બોર્ડમાં મોકલી આપવામાં આવ્યો હતો અને બોર્ડની કમિટી સુનાવણી કરીને નિર્ણય લેશે.

જોકે , કાર્યવાહીના ડરના પગલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
શાળાના પ્રિન્સિપાલ વાસુદેવ પટેલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે સરકારી ધારાધોરણો પ્રમાણે જે પગલા લેવાના હોય તેના ડરના કારણે કોઇ પગલુ ભર્યું છે, એમ મનાય છે.

Most Popular

To Top