એક ગુરુ શિષ્ય હતા.ગુરુને પોતાના આ શિષ્ય પર જરા અધિક સ્નેહ હતો. શિષ્ય બહુ હોશિયાર ન હતો અને મહા આળસુ હતો, પણ પોતાના ગુરુજીનું માન બરાબર જાળવતો.શિષ્યની રોજની રીતભાત અને કામ ન કરવું..કામ પાછળ ઠેલવું ..પછી કરી લઈશ એ બધું જ જોતાં અને સમજી ગયા હતા કે જો આ શિષ્ય પોતાની આળસ નહિ છોડે તો જીવનમાં કયારેય આગળ નહિ વધી શકે …જીવનમાં તેને તક મળશે તો પણ આળસને કારણે તે તેનો બરાબર ઉપયોગ નહિ કરી શકે.ગુરુજીને શિષ્ય પર પ્રેમ હતો એટલે તેમના મનમાં ચિંતા થવા લાગી કે આ શિષ્ય સુધરશે નહિ તો જીવનમાં ક્યારેય જીતી નહિ શકે.
ગુરુજીએ હવે તેને બરાબર પાઠ ભણાવવાનું નક્કી કર્યું.તેમણે એક કાળો પથ્થર આપ્યો અને કહ્યું, ‘આ મારા સિધ્ધ ગુરુજીએ મને આપ્યો છે તે પારસમણી છે જે લોખંડને સોનામાં પરિવર્તિત કરી શકે છે.હું બાજુના ગામ જાઉં છું. કાલે સાંજે આવીશ ત્યાં સુધી આ પથ્થર તું સાચવજે. કાલે હું તારી પાસેથી તે પથ્થર લઇ લઈશ ત્યાં સુધી તું તેનો ઉપયોગ પણ કરી શકે છે.’ શિષ્ય ગુરુજીની વાત સાંભળી ખુશખુશાલ થઇ ગયો…તેણે ગુરુજીને પ્રણામ કરીને પથ્થર લીધો અને મનમાં ઘણું વિચારવા લાગ્યો કે હું ઘણા મોટા લોખંડના સમાન ખરીદીને લાવીશ અને આ પથ્થરની મદદથી બધાને સોનામાં પરિવર્તિત કરી દઈશ એટલે હવે હું એકદમ શ્રીમંત અને સુખી થઇ જઈશ. કોઈ કામ કરવાની જરૂરત જ નહિ રહે. બધાં કામ નોકરો કરશે …વગેરે વગેરે.
શિષ્યે આ બધું વિચારી લીધું, પણ કર્યું કંઈ નહિ.આળસને કારણે તેણે વિચાર્યું કે ગુરુજી તો કાલે સાંજે આવશે, હું સાંજે જઈશ.સાંજ પડી, પણ તે સામાન ખરીદવા ન ગયો..વિચાર્યું કાલે સવારે જઈશ … બીજે દિવસે સવારે તેણે નક્કી કર્યું કે હમણાં નાસ્તો કરીને જાઉં પણ તે બજારમાં ગયો નહિ…વિચાર્યું જમીને જાઉં …પણ જમીને તે રોજની આદત મુજબ આરામ કરવા લાગ્યો અને સૂઈ ગયો. ઊઠ્યો ત્યારે સૂર્યાસ્ત થવામાં જ હતો …તે ફટાફટ બજારમાં સામાન લેવા દોડ્યો, પણ મોડું થઇ ચૂક્યું હતું…સામે જ ગુરુજી મળ્યા અને તેમણે તરત જ કાળો પથ્થર પાછો માંગ્યો.
શિષ્ય ગુરુજીને વિનંતી કરવા લાગ્યો, ‘ગુરુજી, મારે આ પથ્થરનું કામ છે. હું તમને કાલે આપું તો ચાલશે. એક દિવસ પથ્થર મને મારી પાસે રાખવા દો.’ ગુરુજી બોલ્યા, ‘ના, એ શક્ય નથી…ગઈ કાલથી પથ્થર તારી પાસે જ હતો. તેં કામ ન કર્યું તો હવે કયારે કરીશ?’ ગુરુજીએ પથ્થર લઇ લીધો અને શિષ્યનું ધનવાન બનવાનું સપનું તૂટી ગયું કારણ તેની આળસ …અને કામ પાછળ ઠેલવાની રીત….ગુરુજીએ તેને કાન પકડીને તેની ભૂલ સમજાવી. ગુરુજીની માફી માંગી. તેણે જીવનમાંથી આળસ દૂર કરવાનું વચન આપ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.