Business

રાજકુટુંબનો એક એડિટેડ ફોટો પણ ખાસ્સો વિવાદ જગાડી શકે છે

હાલમાં બ્રિટનમાં સોશિયલ મીડિયા પરના એક ફોટો અને ત્યારપછીની ઘટનાઓએ હેડલાઈન્સ બનાવી છે અને હવે રાજવધૂ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટને આ ફોટા અંગે માફી માંગી છે. આ વિષયે ત્યાં સોશિયલ મીડિયા અને મુખ્ય પ્રવાહના મીડિયા પર ખાસ્સું સ્થાન જમાવ્યું છે. 42 વર્ષીય કેટે સોમવારે સોશ્યિલ મીડિયા પર એક એડિટેડ ફોટોગ્રાફને કારણે “કોઈપણ મૂંઝવણ” માટે માફી માંગી હતી જે તેની ઓફિસ કેન્સિંગ્ટન પેલેસ દ્વારા જારી કરવામાં આવી હતી. “ઘણા કલાપ્રેમી ફોટોગ્રાફરોની જેમ, હું સંપાદન સાથે અવારનવાર પ્રયોગ કરું છું,” X પરના સંદેશમાં “C” સાથે સહી કરવામાં આવી હતી જેનો અર્થ તે કેટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. “ગઈકાલે અમે જે કૌટુંબિક ફોટોગ્રાફ શેર કર્યો હતો તેના અંગે કોઈપણ મૂંઝવણ માટે હું માફી માંગવા માંગુ છું.” આ ફોટો રવિવારે બ્રિટનમાં મધર્સ ડે પર આવ્યો હતો અને પેટની સર્જરી પછી કેટ લોકોની નજરમાંથી સપ્તાહો સુધી ગાયબ રહ્યા તેના પછી આવ્યો છે.

મધર્સ ડે નિમિત્તે કેથરિન એટલે કે કેટ મિડલટનનો પોતાના બાળકો સાથેનો મુકાયેલો ખુશખુશાલ મુદ્રાનો ફોટો ચેડાંયુક્ત કે બનાવટી છે એ બાબત ખુલ્લી પડી જતાં ફરી એવી ચર્ચાને વેગ મળ્યો છે કે રાજકુટુંબ કોઈ વાત સંતાડી રહ્યું છે કે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. એવી પણ અફવાઓ છે કે પ્રિન્સ વિલિયમનું રોઝ હેનબરી, જે કેટની એક સમયની નજીકની મિત્ર હતી તેની સાથે અફેર છે.

હાસ્ય કલાકાર સ્ટીફન કોલ્બર્ટે તેમના મોડી-રાત્રિના શોમાં આ અટકળોને ચગાવી અને પ્રિન્સ વિલિયમના રોઝ હેનબરી સાથેના સંબંધોની વાત ઉપાડી. જ્યારે કેટલાક કથિત અફેર વિશે અનુમાન લગાવતા હતા તો અન્ય કેટલાક લોકો કેટની તબિયત અંગે ચિંતિત હતા. જો કે, એક પ્રશ્ન હજુ પણ અનુત્તરિત છે: કેટ મિડલટન ક્યાં છે? પ્રિન્સ વિલિયમની લંડનના યુથ સેન્ટરની તાજેતરની મુલાકાત દરમિયાન, તેમણે તેમની પત્નીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. લોકોની નજરમાંથી તેણીની લાંબી ગેરહાજરીએ ચિંતાઓ ઉભી કરી છે અને તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર હેશટેગ ‘WhereIsKate’ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ કેટની હાલની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાણવા મળી નથી.

સોશિયલ મીડિયાનો યુગ ગપસપ અને અફવાઓનો યુગ છે. અને કેટના એડિટેડ ફોટાના વિવાદથી બ્રિટિશ રાજમહેલ દ્વારા કેટની વિગતોને લોકોથી દૂર રાખવાના કાવતરાની ચર્ચાઓને વેગ મળ્યો છે. કોઇ રાજકુટુંબ કે જાણીતી હસ્તીઓના ફોટા કે તસવીર પણ કેવી ચર્ચા કે વિવાદ જગાડી શકે છે તેનું આ ઉદાહરણ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉદભવે માનવીય ક્રિયાપ્રતિક્રિયાના લેન્ડસ્કેપને નાટ્યાત્મક રીતે બદલી નાખ્યું છે. આ પ્લેટફોર્મ્સે આપણા માટે માત્ર ગપસપ કરવાનું માત્ર સરળ જ બનાવ્યું નથી પણ આવા વર્તનને પ્રોત્સાહન આપીને તેને સામાન્ય બનાવી દીધું છે. અફવાઓ, અટકળો, ગોસીપ – આ બધું પહેલા પણ હતું જ, પરંતુ સોશિયલ મીડિયાના ઉદભવ પછી આ બધાની ઝડપ અને પ્રમાણ વધ્યાં છે જે તાજેતરના કેટના એડિટેડ ફોટાના વિવાદ સહિતની અનેક બાબતોમાં જોઇ
શકાય છે.

Most Popular

To Top