National

આ અભિનેતાએ કર્યો CAAનો વિરોધ, તામિલનાડુમાં તેને લાગુ ન કરવાની CMને કરી અપીલ

દેશમાં સોમવારે CAA નાગરિકતા સુધારા અધિનિયમ (Citizenship Amendment Act) લાગૂ થઈ ગયો છે. કાયદા અંગે નોટિફિકેશન બહાર પડ્યા બાદથી ફરી ઘણા લોકો દ્વારા તેનો વિરોધ (Protest) શરૂ કરાયો છે. હવે તમિલ અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK)ના વડા થલપતિ વિજયે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોમવારે અમલમાં આવેલા CAAને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેનો અમલ સ્વીકાર્ય નથી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેને ભાજપનો વિભાજનકારી એજન્ડા ગણાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાની જાહેરાત કરી છે. CAA એ 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોનો એક અભિન્ન ભાગ હતો. ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ સંસદે તેને 11 ડિસેમ્બર, 2019 ના રોજ અધિનિયમિત કર્યો હતો. હવે સાઉથ એક્ટર થલપતિ વિજયે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. તમિલગા વેત્રી કઝગમ (TVK)ના વડા થલપતિ વિજયે નાગરિકતા સુધારા અધિનિયમ, 2019 લાગુ કર્યા પછી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. અભિનેતાએ તામિલનાડુ સરકારને રાજ્યમાં તેનો અમલ ન કરવા વિનંતી કરી છે.

વિજયે તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) ના સત્તાવાર X એકાઉન્ટ પર સત્તાવાર નિવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, “ભારતીય નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) જેવો કોઈપણ કાયદો એવા વાતાવરણમાં લાગુ કરવો સ્વીકાર્ય નથી જ્યાં દેશના તમામ નાગરિકો સામાજિક સૌહાર્દમાં રહે છે. નેતાઓએ ખાતરી કરવી જોઈએ કે આ કાયદો દેશનમાં લાગુ ન થાય.

વિજય ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ નાગરિકતા સુધારા અધિનિયમના નિયમોને સૂચિત કરવા માટે કેન્દ્રની ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે ભાજપ સામાન્ય ચૂંટણીઓ પહેલા સમાજને વિભાજીત કરવાનો અને વાતાવરણને ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેને ભાજપનો વિભાજનકારી એજન્ડા ગણાવ્યો અને કહ્યું કે લોકો તેમને યોગ્ય પાઠ ભણાવશે.

Most Popular

To Top