એક માણસને અચાનક ભગવાન કોણ છે, સત્ય શું છે તે શોધવાની ઈચ્છા થઈ.તે ફરતો ફરતો એક ગામમાં આવ્યો અને જાણ્યું કે ગામના પાદરે બેસતા ફકીર બધું જ જાણે છે.માણસ તે ફકીર પાસે ગયો અને પોતાનો પ્રશ્ન પૂછ્યો કે ‘મારે જાણવું છે ભગવાન કોણ છે અને સત્ય શું છે?’ ફકીરે કહ્યું, ‘હું અત્યારે કૂવા પર પાણી ભરવા જાઉં છું. મારી સાથે ચાલ, ત્યાં વાત કરીશું.’કૂવા પાસે એક મોટી બાલદી હતી,ફકીરે કહ્યું, ‘જો જયારે આ મોટી બાલદી આખી પાણીથી ભરાઈ જશે એટલે તને ભગવાન કોણ છે તે સમજાશે અને તેનાં દર્શન પણ થઇ જશે.’
આટલું કહીને ફકીર કૂવામાંથી પાણી બહાર ખેંચવા લાગ્યા. તેમણે એક નાની બાલદી પાણી બહાર કાઢ્યું અને મોટી બાલદીમાં નાખ્યું.પાણી બધું જ બહાર વહી ગયું કારણ કે મોટી બાલદીમાં નીચે તળિયું તૂટેલું હતું. ફકીરે બીજી વાર પાણી કૂવામાંથી કાઢ્યું અને મોટી બાલદીમાં નાખ્યું.પાણી ફરી વહી ગયું.માણસે આ જોયું કે મોટી બાલદીમાં તળિયું જ નથી અને તેમાં પાણી રહેતું જ નથી. બધું વહી જાય છે. તેણે ફકીરનું ધ્યાન દોરવા કહ્યું, ‘બાબા, આ બાલદી.’ફકીરે તેને વચ્ચે જ અટકાવતાં કહ્યું, ‘હમણાં ચૂપ રહે. મને પાણી કાઢવા દે. આખી બાલદી ભરાઈ જાય પછી તું બોલજે.જે પૂછવું હોય તે પૂછજે. ફકીર પાણી કાઢીને બાલદીમાં નાખતા જતા હતા અને પાણી વહી જતું હતું.છેવટે માણસે બાલદી ઉપાડીને ફકીરને દેખાડતા કહ્યું, ‘બાબા, આ જુઓ, આ બાલદીના તળિયામાં મોટું કાણું છે. તમે આમાં જિંદગીભર પાણી ઠાલવશો તો પણ તે ક્યારેય ભરાશે નહિ.’ફકીરે કહ્યું, ‘કેમ?’ માણસ બોલ્યો, ‘બાબા, આ જુઓ તો ખરા, તળિયામાં આટલું મોટું કાણું છે.
પાણી બધું વહી જાય છે.આમાં પાણી કેવી રીતે રહેશે અને પાણી રહેશે નહિ તો બાલદી ભરાશે કઈ રીતે?’ ફકીર બોલ્યા, ‘તું મારી પાસે ભગવાન શોધવા અને સત્ય જાણવા આવ્યો છે. શું તારા મનની બાલદીમાં કોઈ કાણું છે કે નહિ,શું તારું મન કયારેય ભૌતિક વસ્તુઓથી ભરાઈ અને ધરાઈ જવાનું છે કે કયારેય ધરાવાનું જ નથી.જો ભાઈ, મનમાં જયારે ઇચ્છાઓ જ ઈચ્છાઓ હોય ત્યારે ભગવાન કોણ છે તે સમજાશે નહિ.પહેલાં તારા મનને જાણ.જો તારું મન તૈયાર હશે તેમાં લોભ,મોહ, માયાનું કોઈ કાણું નહિ હોય તો તને ભગવાન સમજાશે અને જયારે ભગવાન કોણ છે તે સમજાશે ત્યારે તેમને શોધવાની જરૂર નહિ રહે.’ફકીરે ઊંડી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.