સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો, કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઇ
1.35 લાખના વિદેશી દારૂ, મોબાઇલ અને રોકડ સહિત 2.14 લાખનો મુદ્દામાલ કબજે, અન્ય એક વોન્ટેડ
નાગરવાડામાં મકાનમાં અંડર ગ્રાઉન્ડ ગોડાઉનમાં સંતાડી રાખેલા વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
વડોદરાના નાગરવાડાની પ્રકાશનગર ઝુપડપટ્ટીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને અંડર ગ્રાઉન્ડમાં સંતાડી રાખેલો 1.35 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેડ બૂટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. એસએમસીની ટીમે વિદેશી દારૂ, મોબાઇલ અને રોકડ સાથે 2.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો.
વડોદરા શહેર જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતી હોય છે. તાજેતરમાં બાપોદ તથા જવાહરનગર અને લક્ષ્મીપુરા વિસ્તારમાં દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો. તેમ છતાં બુટલેગરો સુધરવાનું નામ લેતા નથી અને દારૂનો ધંધો બેખૌફ કરતા હોય છે. હવે બુટલેગરો પણ હાઇટેક બન્યા હોય તેમ દિન પ્રતિદીન નીત નવા નુશખા અપનાવીને દારૂ સંતાડી રહ્યા છે. તાજેતરમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર પોતાના મકાનમાં હાઇડ્રોલિક પંપ દ્વારા અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવ્યું હતું. ત્યારબાદ અન્ય બુટલેગર ડીજેના સ્પીકરમાં દારૂનો જથ્થો સંતાડીને વેપલો કરતો હતો. ત્યારે હવે નાગરવાડા વિસ્તારમાં પ્રકાશનગર ઝુપડપટ્ટીમાં મકાનમાં લિસ્ટેડ બૂટલેગર નિખીલ રાજુ કહાર બહારથી વિદેશી દારૂનો જથ્થા મંગાવીને દારૂનો ધંધો કરે છે. બૂટલેગર મકાનમાં પોલીસને શંકા ના જાય માટે અંડર ગ્રાઉન્ડ ગોડાઉન બનાવ્યું છે દારૂ કાઢવા માટે એક ચોર ખાનું છે તેમાંથી દારૂ કાઢીને વેચાણ કરે છે. તેવી બાતમી મંગળવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળી હતી. જેના આધારે એસએમસીની ટીમે નાગરવાડાની પ્રકાશનગર ઝૂપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે સ્થળ પરથી નિખીલ રાજુ કહાર ઝડપાઇ ગયો હતો. તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા અંડર ગ્રાઉન્ડ ગોડાઉનમાં સંતાડી રાખેલો 1.35 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી એસએમસીની ટીમે વિદેશી દારૂ, મોબાઇલ અને રોકડ મળી 2.14 લાખનો મુદ્દામાલ કબજે કરી કારેલીબાગ પોલીસને સુપ્રત કરાયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી બૂટલેગરને ઝડપી પાડ્યો હતો અને અન્ય પ્રશાંત રાજુ જાદવને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે કારેલીબાગ પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.