બારડોલી: (Bardoli) રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે બારડોલી આવી પહોંચી હતી. જો કે બારડોલીના સ્વરાજ આશ્રમમાં રાહુલ ગાંધી પહોંચતા જ ભારે અફરાતફરી સર્જાય હતી. પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ તેવી સ્થિતિ પેદા થઈ હતી. આથી રાહુલ ગાંધી એક જ મિનિટમાં સરદાર નિવાસમાંથી બહાર આવી ખુલ્લી જીપમાં સવાર થઈ ગયા હતા. ભિનેતા રાજ બબ્બર ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા બારડોલી પહોંચ્યા હતા.
- બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે રાહુલ ગાંધીની યાત્રામાં અવ્યવસ્થા સર્જાઈ
- લોકોની ભીડ બેકાબૂ બનતા રાહુલ ગાંધી એક જ મીનીટમાં રવાના થયા, પોલીસ બંદોબસ્તનાં ધજાગરા ઉડ્યા
- અભિનેતા રાજ બબ્બર ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા બારડોલી પહોંચ્યા
આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસનાં નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગી અગ્રણીઓ બારડોલી આવ્યા હતા. રાહુલ ગાંધી દિલ્હી જવાના હોય તેમના નિર્ધારિત કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. પોલીસ દ્વારા ક્યાંય પણ બેરીકેટિંગ કરવામાં આવી ન હોય રાહુલ ગાંધી તરફ લોકો ધસી આવ્યા હતા. લોકોની ભીડ બેકાબુ થતા જ રાહુલ ગાંધી એક જ મિનિટમાં આશ્રમમાંથી રવાના થઈ ગયા હતા.
રાહુલ ગાંધીની લીમડા ચોક ખાતે કોર્નર સભા યોજાવાની હતી, તે રદ થતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી.
શહીદ ચોક ખાતે હિન્દૂ સંગઠનનાં કાર્યકરોએ ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા
રાહુલ ગાંધીની યાત્રા સ્વરાજ આશ્રમમાંથી નીકળી સ્ટેશન રોડ પરથી પસાર થતી હતી, ત્યારે શહીદ ચોક ખાતે હિન્દૂ સંગઠન દ્વારા જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી જીંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. બંને પક્ષનાં કાર્યકરો સામસામે આવી જતા પોલીસે દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી.