Sports

ધરમશાલા ટેસ્ટના પહેલાં દિવસે ભારતીય સ્પીનર્સનું પ્રભુત્વ રહ્યું, કુલદીપે 5 વિકેટ ઝડપી

ધર્મશાલા(DharmShala) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 મેચની ટેસ્ટ (Test) શ્રેણીની અંતિમ મેચ આજે તા. 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થઈ છે. આજે મેચનો પ્રથમ દિવસ છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તે નિર્ણય ખોટો પડ્યો હતો. અડધા દિવસમાં ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.

  • ટેસ્ટ સિરિઝની પાંચમી અને છેલ્લી મેચના પહેલા દિવસે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 218 પર ઓલઆઉટ
  • ભારત તરફથી કુલદીપે 5, અશ્વિને 4 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી
  • ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ક્રાઉલી સિવાય કોઈ બેટ્સમેન સારું રમી શક્યો નહીં, ક્રાઉલીએ 79 રન ફટકાર્યા
  • ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ 57 બનાવ્યા, જયસ્વાલની વિકેટ શોએબ બશીરે લીધી
  • કેપ્ટન રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રન બનાવી રમતમાં, ભારતનો સ્કોર 135/1

જવાબમાં ભારતના ઓપનર્સ રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલે ધમાકેદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 100 પાર પહોંચાડ્યો હતો. ભારતની પહેલી વિકેટ 104 રન પર પડી હતી. અર્ધસદી ફટકાર્યા બાદ યશસ્વી જ્યસ્વાલ આઉટ થયો હતો.

જોકે, ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માનો સાથ આપવા શુભમન ગિલ મેદાનમાં ઉતર્યો હતો. દિવસના અંતે ભારતે 30 ઓવરની રમતમાં 1 વિકેટ ગુમાવી 135 રન બનાવી લીધા હતા. કેપ્ટન રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રન બનાવી રમતમાં છે. હજુ ભારત ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે.

આ અગાઉ પહેલા દિવસે બેટિંગ લાયક પીચ હોવા છતાં ઈંગ્લેન્ડનો એકેય બેટ્સમેન ટકી શક્યો નહોતો. કુલદીપ યાદવના સ્પીનના જાદૂ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો નિ:સહાય જણાતા હતા. બેઝબોલ ક્રિકેટ ભારતીય બોલરો સામે સદંતર ફલોપ સાબિત થયું હતું. અડધા દિવસમાં જ ઈંગ્લેન્ડની આખીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 218 રન જ બનાવી શકી છે. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ જેક ક્રાઉલીએ 79 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી સૌથી સફળ બોલર કુલદીપ યાદવ રહ્યો હતો. યાદવે 5 વિકેટ લીધી હતી. પોતાની 100મી ટેસ્ટ રમતા રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ પહેલા જ શ્રેણી 3-1થી કબજે કરી ચૂકી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આયોજિત આ ટેસ્ટ મેચ રવિચંદ્રન અશ્વિન અને જોની બેરસ્ટોની 100મી ટેસ્ટ છે.

દેવદત્ત પડિક્કલનું ડેબ્યુ, ભારતીય ટીમમાં બે ફેરફાર
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર જોવા મળ્યા છે. દેવદત્ત પડિક્કલે આ મેચમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું છે. રજત પાટીદારને બહાર બેસાડાયો છે. જસપ્રીત બુમરાહની વાપસીને કારણે આકાશ દીપ પણ ટીમની બહાર છે.

ઈંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર
ઈંગ્લેન્ડની ટીમમાં ધર્મશાલા ટેસ્ટ માટે એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વૂડની વાપસી થઈ છે. આ રીતે બેન સ્ટોક્સની કપ્તાનીવાળી ટીમ બે ઝડપી બોલરો સાથે પાંચમી મેચમાં ઉતરશે. જ્યારે શોએબ બશીર, ટોમ હાર્ટલી સ્પિન હુમલામાં સામેલ થશે.

ધર્મશાલા ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, માર્ક વુડ, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.

Most Popular

To Top