આજકાલ ફેંગશુઈ નુ ચલણ વધતા બધાના ઘરોમાં શુભ અને ખુશીના પ્રતિક તરીકે લાફીંગ બુદ્ધા હોય છે લોકો તેમને શુભેચ્છા રૂપે એકમેકને ભેટમાં પણ આપે છે. આ લાફીંગ બુદ્ધાના મુળની વાત છે.એક વાયકા પ્રમાણે મહાન સંત હોતેઈને લાફીંગ બુદ્ધા તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેઓ જયારે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી હસવા લાગ્યા હતા. લોકોએ પૂછ્યું, ‘આપ કેમ હસો છો ??’ સંત હોતેઈ બોલ્યા, ‘આજે મને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે.
હું જ્ઞાની બની ગયો છું એટલે હું હસું છું.’ લોકોએ કહ્યું, ‘જ્ઞાન તમને પ્રાપ્ત થયું તે ખુશીની વાત છે પણ તેમાં આટલું મોટે મોટેથી હસવાનું શું ?? સાચા જ્ઞાન અને આ હસવાને શું સબંધ ??’ સંત હોતેઈએ કહ્યું, ‘હું હસું છું કારણ કે જ્ઞાન મળ્યા બાદ મને ખબર પડી છે કે હું આટલા વર્ષોથી એક એવી વસ્તુને ચારે બાજુ ..દુનિયામાં …શોધી રહ્યો હતો જે વસ્તુ પહેલે થી મારી અંદર જ હતી.હું શોધતો હતો એક સાચો સાધક …એક કોઈ પરમ તત્વ …પણ તે મને કયાંય મળી રહ્યું ન હતું કારણકે સાધકને કે પરમ તત્વને બહાર શોધવું અશક્ય છે…’ લોકોએ પૂછ્યું, ‘એટલે ??”
સંત હોતેઈ બોલ્યા, ‘શું તમે તમારા પડછાયાને પકડી શકો ??? તમે તેનો ગમે તેટલો પીછો કરો તમે તેને પકડી શકતા નથી… આખો જન્મારો મેં જે તત્વને શોધવામાં ..જે સાધકને જાણવામાં વિતાવ્યો તે સાધક તો હું પોતે પહેલા દિવસથી જ હતો …પરમ તત્વ મારી અંદર જ હતું અને આટલા વર્ષો સુધી મને તેની ખબર જ ન હતી અને હું ચારે બાજુ બહાર તેને શોધવા રઝળપાટ કરી રહ્યો હતો. જીવનના આટલા વર્ષો મેં વ્યર્થ ગુમાવ્યા તે વાત પર મને હસવું આવે છે…મારી જાતને ભૂલીને સર્વત્ર હું જેની ખોજ કરી રહ્યો હતો તે તો મારી અંદર જ હતું…મને એજ સમજાતું નથી કે મને કયારેય આ હકીકતનું ભાન જ ન થયું આ મારી મૂર્ખતા મને હાસ્યાસ્પદ લાગે છે અને એટલે હું મારી મુર્ખામી પર હસી રહ્યો છું.’ સંત હોતેઈ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કેવળ હસતા જ રહ્યા અને તેમણે દુનિયાને પોતાના હાસ્ય અને આ વાત દ્વારા આ એક જ સંદેશ આપ્યો કે હંમેશા તમરી અંદર રહેલા પરમ તત્વને જાણો અને ઓળખો તમે જે બહાર શોધો છો તે તમારી અંદર જ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.