નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેના ફાયદા સાથે જોખમો પણ અનેક છે, ત્યારે ભારત સરકારે હવે એઆઈ પ્રોડક્ટના લોન્ચ અને ઉપયોગ મામલે નિયમો બનાવ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ટેક કંપનીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત એડવાઈઝરી બહાર પાડી છે. મંત્રાલયે એઆઈના દુરુપયોગને અટકાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આકરી ટીકા પણ કરી હતી.
સરકારની એડવાઈઝરી અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત કંપનીઓ દેશમાં તેમના AI પ્રોડક્ટ્સ લોન્ચ કરતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. આ સાથે જ તમામ એજન્સીઓએ તાત્કાલિક આ એડવાઈઝરીનું પાલન કરવાનું રહેશે. 15 દિવસમાં એક્શન-કમ-સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે પણ આદેશ કરાયો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે, તમામ એજન્સીઓ/પ્લેટફોર્મને સૂચના આપવામાં આવે છે કે તેઓ એઆઈ – ખોટી માહિતી, ખાસ કરીને ડીપફેક્સને કારણે વપરાશકર્તાઓને થતા નુકસાનને લગતા નિયમોનું પાલન સુનિશ્ચિત કરે.
સરકારે એડવાઈઝરીમાં એમ પણ કહ્યું છે કે AI-આધારિત સામગ્રીને અમુક કાયમી મેટા ડેટા અથવા અન્ય કોઈ ઓળખ સાથે રિલીઝ કરવી જોઈએ, જેથી જો કોઈ ફેક ન્યૂઝ અથવા ડીપફેકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેના સર્જકની ઓળખ થઈ શકે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે AI જેવી ટેક્નોલોજી માટે આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ટેક્નોલોજીનો કોઈ પ્રોટેક્ટર નથી. અમે એક એવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં પ્રોડક્ટ લૉન્ચ કરતા પહેલા વધુ કડકતા જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઈ પણ AI મોડલને ‘અંડર-ટેસ્ટિંગ’ના લેબલ સાથે માર્કેટમાં લૉન્ચ કરવું હોય તો પણ તેને સરકાર દ્વારા મંજૂરી લેવી પડશે.
ખરેખર તો ગૂગલના AI ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો કથિત રીતે પક્ષપાતી જવાબ આપ્યો હતો. ત્યારથી, જેમિનીના પ્રોગ્રામિંગને લગતી ચર્ચા વધુ તીવ્ર બની છે. ત્યાર બાદ જ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા AI સંબંધિત એડવાઈઝરી જારી કરવામાં આવી છે.