સુરત(Surat) : આજે તા. 28 ફેબ્રુઆરીની સવારે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી (District Agricultural Officer) દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવતા સુરત જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતો પોતાના ખેતરો તરફ દોડ્યા હતા અને પાકને સંભવિત જોખમથી બચાવવાના ઉપાય શરૂ કરી દીધા હતા. સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી એવી તો શું સુચના મળી હતી, ચાલો જાણીએ..
- વરસાદની આગાહીને પગલે ખેતીવાડી અધિકારીએ ખેડૂતોજોગ સૂચના જાહેર કરી
- કમોસમી વરસાદથી પાકને બચાવી લેવા સાવચેતીના પગલાં ભરવા ખેતીવાડી અધિકારીની સૂચના
શિયાળો પૂરો થવાની આડે છે. રાત્રિ અને સવારના સમયે થોડી ઠંડક રહે છે, તે સિવાય બપોરે આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આ વિચિત્ર વાતાવરણ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એવી આગાહી છે કે, બનાસકાંઠા, સાંબરકાઠા, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ સહિત નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદ પડી શકે છે. આ આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત તકેદારી રાખવાની સ્થિતિ ઉભી થઈ છે. આથી સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા મેસેજ પહોંચાડવામાં આવ્યો છે.
હવામાન વિભાગની શું છે આગાહી?
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. આગામી 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થશે. બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનની ગતિ પણ ઝડપી હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે
ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને શું સૂચના આપી?
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા વેચાણ અર્થે આવતી પેદાશો અટકાવવી/ટાળવી અથવા સુરક્ષિત રાખવી.
કોઈ સમસ્યા સર્જાય તો ખેડૂતોએ આ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવો
આ સાથે સુરતના જિલ્લા ખેતીવાડી અધિકારી એ આ મામલે વધુ જાણકારી માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર પર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા સૂચના આપી છે.