સુરત(Surat) : શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં ચોંકાવનારો આઘાતજનક બનાવ બન્યો છે. અહીંના બાળ આશ્રમ (BalAshram) રોડ પર આજે સોમવારે તા. 26 ફેબ્રુઆરીની સવારે એક શિશુનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડતા થયા હતા. નજીક જઈને જોયું તો નવજાત બાળકીને કીડીઓ ખાઈ રહી હતી. આ દ્રશ્ય જોઈ રાહદારીઓએ તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી લીધી હતી. હાલ બાળકીની સારવાર નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં (NICU) ચાલી રહી છે.
- કતારગામમાં એક દિવસની બાળકી રસ્તેથી મળી
- કોઈ બાળ આશ્રમ પાસે લાવારીસ છોડી ગયું
- કીડીઓના ઢગલાં વચ્ચે પડેલી બાળકી રડતી હતી
- રાહદારીની જાગૃતિને પગલે બાળકીનો જીવ બચાવી શકાયો
- બાળકીની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે કતારગામના બાળ આશ્રમ રોડ પરથી લાવારીસ હાલતમાં એક દિવસની નવજાત બાળકી (New Born Baby Girl) મળી આવી હતી. બાળકીની આસપાસ કીડીઓનો (Ant) ઢગલો હતો. આ કીડીઓ બાળકીને ડંખ મારી રહી હતી. પીડાના લીધે બાળકી રડી રહી હતી. નજીકથી પસાર થતાં વિજય નામના રાહદારીની નજર બાળકી પર પડી હતી. તેથી તે રાહદારીએ 108ની મદદથી બાળકીને નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી.
આ ઘટનાના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોતાનું પાપ છુપાવવા કોઈકે બાળકીને લાવારીસ હાલતમાં મરવા માટે ફેંકી દીધી હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકો આવા મા બાપ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. બાળકીની હાલત નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં સારવાર ચાલી રહી છે. સુરત સિવિલ પોલીસ ચોકીના કર્મચારીઓ દ્વારા કતારગામ પોલીસને ઘટનાની જાણ કરાઈ છે. પોલીસે બાળકીને ત્યજી દેનારની શોધખોળ હાથ ધરી છે.
દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરના જણાવ્યા અનુસાર બાળકીનું વજન 1.8 કિલોગ્રામ છે. કીડીઓના ડંખના લીધે બાળકીના શરીર પર ઉજરડાં પડી ગયા છે. બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરાઈ છે. ડોક્ટરો તેની સારવાર કરી રહ્યાં છે. હાલ બાળકીની તબિયત સારી છે.