ગાંધીનગર(Gandhinagar): નકલી કચેરી કાંડ (fakeOfficeScandal) મામલે આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસે ભારે હોબાળો મચાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ (CongressMLA) સભાગૃહમાંથી વોકઆઉટ (Walkout) કર્યું હતું. પરિણામે કોંગી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ (Suspend) કરાયા હતા.
આજે ગુજરાત વિધાનસભામાં (GujaratAssembly) અંદાજપત્ર સત્રનો 14મો દિવસ છે. સભાના આરંભ સાથે જ માહોલ ગરમાયો હતો. સભાના પ્રારંભે જ કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડ મામલે હંગામો મચાવવાનું શરૂ કરી દીધું હતું. સૂત્રોચ્ચાર કરીને સભામાં જ વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર બાદ સભામાંથી વોકઆઉટ કર્યુ હતુ, જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વેલ સુધી ધસી આવ્યા હતા. મોટે મોટેથી બૂમો પાડી ભાજપના શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે કોંગ્રેસી ધારાસભ્યોએ નકલી કચેરીકાંડને લઈને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. ભાજપના નેતા ઋષિકેશ પટેલે વિરોધ પ્રદર્શિત કરતા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી, જેના પગલે તમામ કોંગી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે સવાલો કરીને જવાબો માંગ્યા હતા. આજે વિધાનસભા ગૃહમાં ‘નકલીકાંડ’નો મુદ્દો ઉછળ્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા આજે આ મુદ્દે ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ છે. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે , વિપક્ષ પ્રશ્નો પુછી શકે છે, પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાએ આજના દિવસે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પણ કરાઇ હતી, જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો. અંતે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા.
શું નકલી કાંડ મામલો?
આ તમામ હંગામો છોટાઉદેપુરમાંથી મળી આવેલી નકલી કચેરીના મામલે હતો. ગુજરાત સરકારે આ મુદ્દે જવાબ આપ્યો છે કે, જે નકલી કચેરીઓ ઝડપાઈ તેની જાણ થતા જ કાર્યવાહી કરાઇ છે. કસૂરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાણાની રિકવરી અંગે તપાસ પુરી થયા બાદ કાર્યવાહી કરાશે. આદિજાતિ વિભાગે 21 કરોડની રકમ નકલી કચેરીઓને ફાળવી હતી, 2016-17થી નકલી કચેરી ચાલતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. સરકારના જવાબ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. તેમને નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી કચેરીના નારા લગાવ્યા હતા.