ભરૂચ (Bharuch) : ગુજરાતમાં (Gujarat) 11 નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ (GreenFieldAirport) બનાવવામાં આવશે. આ 11 એરપોર્ટનું નિર્માણ આગામી 5 વર્ષમાં પૂર્ણ કરીને કાર્યરત કરી દેવાશે.. આ સાથે દેશના અન્ય ભાગો અને વિશ્વ સાથે ગુજરાતની એરપોર્ટ કનેક્ટિવિટી વધવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર કર્યા છે.
આ કરારમાં માત્ર નવા એરપોર્ટ જ નહીં પરંતુ જૂના એરપોર્ટના વિકાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PrimeMinisterNarendraModi) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગયા મહિને જ તેને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.
ગુજરાતના હાલના અને નવા સૂચિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નવા સૂચિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 11 પૈકી અંકલેશ્વર, રાજપીપળા, મોરબી, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, રેસ, અંબાજી, ધોળાવીરા અને પાલીતાણાનો સમાવેશ થાય છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટ એ એર્ટ છે જ્યાં અગાઉ ક્યારેય બાંધકામ થયું નથી. એટલે કે શહેરની બહારની જમીન જેનો હજુ વિકાસ થયો નથી. ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સામાન્ય રીતે મુખ્ય એરપોર્ટ પર મુસાફરોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવે છે.
આ એરપોર્ટ શહેરની બહાર બનાવવામાં આવ્યા છે, જેથી એરપોર્ટને કારણે ટ્રાફિકને વધુ અસર થતી નથી. ગુજરાતમાં જ્યાં 11 ગ્રીન ફિલ્ડ એરપોર્ટની દરખાસ્ત કરવામાં આવી છે તેમાંથી મોટાભાગના ઔદ્યોગિક અથવા આધ્યાત્મિક રીતે સંબંધિત સ્થળો છે.
આ સ્થાનો પર એર કનેક્ટિવિટી વધવાથી ચોક્કસપણે પર્યટનની સાથે સાથે બિઝનેસને પણ વેગ મળશે.ગુજરાતમાં 11 ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થવાનું છે, જેમાંથી 8 એરપોર્ટ માટે જમીનની ઓળખ કરવામાં આવી છે અને 3 એરપોર્ટની ફાળવણી કરવામાં આવી છે.
આ સિવાય બે એરપોર્ટ એવા છે જેના માટે હજુ સુધી જમીનની ઓળખ કરવામાં આવી નથી. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. પરંતુ પાલીતાણા એક એવી જગ્યા છે, જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ માટે જમીન ફાળવવામાં આવશે નહીં.
જોકે, આનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. એરપોર્ટ ચિહ્નિત જમીન ફાળવેલ જમીન પૈકી બોટાદ-190.34 હેક્ટર,દ્વારકા-132.53 હેક્ટર,ધોરડો-500 હેક્ટર,રાજુલા-80.94 હેક્ટર,રેસ-408.64 હેક્ટર ચિહ્નિત જમીન છે.જયારે અંકલેશ્વર-80 હેક્ટર, મોરબી-90 હેક્ટર,રાજપીપળા-47.24 હેક્ટર જમીન ફાળવી દીધી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે અંબાજી અને ધોળાવીરામાં એરપોર્ટ માટે જમીનની હજુ ઓળખ થઈ શકી નથી. આ સાથે AAIએ ભાવનગર, કંડલા, પોરબંદર, વડોદરા અને કેસોદ એરપોર્ટના વિસ્તરણ માટે રાજ્ય સરકાર પાસે જમીનની પણ માંગણી કરી છે. મહેસાણા, અમરેલી અને માંડવીમાં પણ એરટ્રીપ્સ વિકસાવી શકાશે.