અંકલેશ્વર: અંક્લેશ્વર (Ankleshwar) તાલુકાના અંદાડા (Andada) ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ (Wedding) ચાલી રહ્યો હતો તે વેળા એક મહિલાએ અચાનક મહેમાનોની (Guest) કારો (Car) પર લાકડીના સપાટા મારી કાચ તોડી નાંખતા સનસનાટી મચી જવા પામી હતી.
અંદાડા ગામની એક સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલતો હતો તે દરમ્યાન એક મહિલાએ અગમ્ય કારણોસર મહેમાનોની કારના કાચ તોડવાની શરૂઆત કરતા ખળભળાટ મચી ગયો હતો જોકે બાદમાં કાર માલિક મહિલાઓ તેમજ અન્ય મહિલાઓએ મળી તેણીને પકડી મેથીપાક ચખાડયો હતો. મોડેથી આ ઘટનાને પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચતા મહિલાને પકડી ગઇ હતી. મહિલા માનસિક બિમારીની હાલતમાં આવુ કૃત્ય કર્યું હોવાનુ અનુમાન લગાડાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામની અંબિકા નગર સોસાયાટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. તે વેળા આ વિચિત્ર ઘટના બની હતી. નિલમ નામની મહિલાએ સપાટો લઇ દોડી આવી મંડપ પાસે પાર્ક કરેલા વાહનો પર ફટકા માર્યા હતા. કોઇ તેને રોકે તે પહેલા જ તેણીએ ત્રણેક કારના કાચ તોડી નાંખ્યા હતા. મહિલાની કરતૂતની જાણ મંડપમાં લગ્ન પ્રસંગ માણી રહેલા લોકોને થતા તેઓ તુરંત બહાર દોડી ગયા હતા. તેમણે મહિલાને ઝડપી પાડી હતી.
જોકે, કોઇ કારણ વિના જ કાચ તોડવાની વાતને લઇને અન્ય મહિલાઓ ઉશ્કેરાઇ ગઇ હતી. તેમણે મહિલાને મેથીપાક ચખાડ્યો હતો. તેમણે મહિલાને તેણે કેમ કાચ ફોડયા તેનું પુછતા તે યોગ્ય જવાબ આપી રહી ન હતી. દરમિયાન બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. તેમણે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તુરંત મહિલાને કબજામાં લઇ પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. જ્યાં બન્ને પક્ષના લોકો એકત્ર થયા હતા. મહિલાની બહેનોએ તે તેના પતિના દેહાંત બાદથી માનસિક બિમાર હોઇ કૃત્ય કર્યું હોવાનુ જણાવ્યું હતું. જોકે, આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી નહોતી.