વાપી: (Vapi) વાપી સલવાવ હાઈવે (Highway) પર રાહદારી વાહન અડફેટમાં આવી ગયો હતો અને તેની ઉપરથી અનેક વાહનોના (Vehicle) ટાયરો ફરી વળ્યા હતાં. અકસ્માતમાં મોત નિપજતા રાહદારીના છૂંદાયેલા ટૂકડાઓ ક્ષત-વિક્ષત હાલતમાં પડ્યા હતાં. બનાવની જાણ વાપી સલવાવ ગામના સરપંચને થતા તેઓએ વાપી ડુંગરા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
- રાહદારીનું મોત નિપજતા લાશ પરથી અનેક વાહનના ટાયરો ફરી વળ્યા
- વાપી સલવાવ હાઈવે પર વાહનની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યા બાદ છૂંદાયેલા ટૂકડાઓ ક્ષત-વિક્ષત હાલતમાં પડ્યા
વાપી સલવાવ ને.હા.નં.48, બાપાસીતારામ ગેટની સામે સુરતથી મુંબઈ જતા રોડ ઉપર સવારના સમયે પસાર થઈ રહેલો રાહદારી કોઈક વાહન અડફેટમાં આવી ગયો હતો. જે બાદ તેની ઉપરથી અનેક વાહનોના ટાયરો ફરી વળ્યા હતા અને ક્ષત-વિક્ષત હાલતમાં છૂંદાયેલા ટૂકડાઓ પડ્યા હતાં. આ ઘટનાની જાણ સલવાવ ગામના સરપંચ સંજય પટેલને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. બનાવ સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી ગઈ હતી. અકસ્માતની જાણ નેશનલ હાઈવે ઓથોરીટી બગવાડા ટોલનાકા આઈઆરબીને કરાતા એમ્બ્યુલન્સમાં શરીરના છૂંદાયેલા ટુકડાઓ ભેગા કરી મૃતદેહને ચલા સીએચસી હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. બનાવની જાણ સલવાવ ગામના સરપંચ સંજય પટેલ (ઉં.47, રહે. કોળીવાડ, સલવાવ) એ વાપી ડુંગરા પોલીસ મથકે કરી હતી. મરનાર ઈસમની કોઈ ઓળખ થઈ શકી નથી. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈવે ઉપર જીવના જોખમે આટાપાટા રમી માર્ગ ઓળંગતા રાહદારીઓ
વાપી હાઈવે ઉપર મોટે ભાગના લોકો જીવના જોખમે આટાપાટા રમી માર્ગ ઓળંગી રહ્યા છે. જેને કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતોની ઘટના ઘટી રહી છે. એટલું જ નહીં રાત્રીના સમયે વાપી બલીઠા હાઈવે ઉપર કોઈ હાઈમસ્ટ લાઈટ પણ ઝગમગતી જોવા મળતી નથી. રાત્રીના સમયે કેટલાય રાહદારીઓ માર્ગ ઓળંગવા માટે દોડ લગાવતા જોવા મળે છે. જેમાં ઘણી વખત કોઈક વાહનચાલકની નજર ન હોય તો જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે.