માનવજીવનને અનેકવિધ ઉપમા આપવામાં આવે. તેમાંની એક-”જીવન એક ગણિત છે”-એમ કહેવામાં આવે. ગણિતમાં એકરૂપતા આવે, એકરૂપતાની વાત કરીએ તો એક જ જાતના પદ હોવાપણું, એકસરખું હોવાપણું, સમાનતા-એકતા. સમાનરૂપ એટલે એકરૂપતા. વિસ્તારથી જોઈએ તો બે અથવા વધારે આકૃતિ બધી રીતે સરખી હોય એટલે એમની બાજુઓ અને ખૂણાઓ અનુક્રમે એકબીજાની સરખાં હોય એવી સ્થિતિ એટલે એકરૂપતા. વાત જીવનવ્યવહારમાં એકરૂપતાની. વ્યક્તિનાં વાણી, વર્તન અને વ્યવહારમાં એકરૂપતા હોવી જોઈએ. હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ એવું સરાસર ખોટું કહેવાય.
આજે તો મોટે ભાગનાં લોકોનાં, વાણી અને વ્યવહારમાં આભ-જમીનનું અંતર જોવા મળે છે. વ્યક્તિ બોલે શું? અને કરે શું? કંઈ નક્કી ન હોય. સામા પક્ષે ખ્યાલ રાખવો પડે. વાતોનાં વડાં હોય અને સરવાળે શૂન્ય! એબોલે પણ અમલ પોતે નહિ, પણ બીજાએ અમલ કરવાનો એવી માન્યતામાં રત હોય. અલબત્ત, જીવનમાં સારા, ખરાબ દિવસોની આવનજાવન તો થતી રહે છે. સુખ હોય કે દુઃખ, વ્યવહારમાં એકરૂપતા રાખવી જોઈએ. ચાલો, જીવનવ્યવહારમાં જરૂરી ફેરફાર કરીએ, જેથી અન્યોને અન્યાય ન થાય. સમયને ન્યાય આપીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
MSME-આઈટી નિયમ અને ‘દિવાળી ચૂકતે’પ્રથા
MSME એકટ હેઠળ નોંધાયેલા વેપારી અને ઉદ્યોગકારો માટે આવકવેરાની નવી જોગવાઇઓને લીધે સુરતના વિવિંગ ઉદ્યોગ અને કાપડના વેપારીઓને વ્યાપક અસર થઈ છે. ૪૫ દિવસમાં પેમેન્ટ ચૂકતે કરવાની જોગવાઈના કારણે વ્યાપાર પર અસર જોવા મળી રહી છે. વર્ષો પહેલાં સુરત નાનું હતું ત્યારે કાપડ વિવિંગ અને ડાઇંગ સુરતનો મુખ્ય ઉદ્યોગ હતો. કોટ વિસ્તારના પરાંઓમાં ઘરે ઘરે કાપડ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે નાણાંકીય વર્ષ દિવાળીથી દિવાળી ગણાતું હતું.
વિવરો દિવાળી પર બધું પેમેન્ટ ચૂકતે કરી દેતા હતા. જ્યારે ડાઈંગ મીલો દ્વારા પણ કેમિકલ્સ અને અન્યનું પેમેન્ટ દિવાળીમાં ચુકતે કરી દેવામાં આવતું હતું. જેમ જેમ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો પરિણામે વેપારમાં સ્પર્ધા વધવાથી ઉધારી વધતી ગઈ. ૩૧મી માર્ચનું નાણાંકીય વર્ષ આવવાથી દિવાળી ચૂકતે ની પ્રથા બંધ થઈ ગઈ. હવે નવા રંગરૂપ સાથે ૪૫ દિવસનો નિયમ ‘૩૧મી માર્ચ ચૂકતે’ કહી શકાય.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.