બે ખાસ બહેનપણીઓ નીતા અને નેહા, એક જ સોસાયટીમાં રહેતી હતી અને એકજ કોલેજમાં ભણતી હતી એટલે હંમેશા સાથે ને સાથે જ રહે.મોટે ભાગે એકબીજાને ઘરે સાથે જ હોય.બધા એમની દોસ્તીની વાતો કરતા કે દોસ્તી હોય તો આવી. એક દિવસ નીતા થોડા રડમસ ચહેરે ઘરે આવી અને મમ્મીએ પૂછ્યું, ‘શું થયું? નેહા ક્યાં છે?’નીતાએ કંઈ જવાબ ન આપ્યો અને ચુપચાપ રૂમમાં જતી રહી.ઘણી વાર સુધી બહાર ન આવી.આ બાજુ નેહાને પણ નવાઈ લાગી હતી કે, ‘પોતાને દસ મિનીટ આવતાં મોડું થયું એમાં નીતા આમ એકલી ઘરે જતી રહી. મારી રાહ પણ ન જોઈ.’તે ચુપચાપ ઘરે ગઈ.
નીતાને મમ્મીએ બહુ પૂછ્યું ત્યારે તે બોલી, ‘મમ્મી, મારી બીજી ફ્રેન્ડસ કહેતી હતી કે નેહા તારા કરતાં વધારે હોશિયાર છે.પ્રોફેસર્સ બધા તેને બહુ મહત્ત્વ આપે છે એટલે હવે તેને તારી જોડે રહેવું પસંદ નથી. જોજે, તે તારી જોડે દોસ્તી ઓછી જ કરી નાખશે અને આજે મમ્મી મારી સાથે ઘરે પાછું ન આવવું પડે એટલે જાણી જોઇને પ્રોફેસરે કામ આપ્યું છે કહી ગઈ અને આવી જ નહિ. સાચે મને લાગે છે કે હવે તેને મારી કોઈ જરૂર નથી.’ મમ્મીએ પૂછ્યું, ‘નેહાએ તને કહ્યું હતું કે તું ઘરે જા. હું કામમાં છું નહિ આવી શકું.’નીતાએ કહ્યું, ‘ના તેણે કહ્યું હતું હમણાં એક કામ કરીને આવું છે અને પછી દસ મિનીટ સુધી આવી જ નહિ એટલે મને લાગ્યું કે તે મારી સાથે નહિ આવે અને હું ઘરે આવી ગઈ. હવે હું તેની સાથે નહિ કોલેજ જાઉં કે આવું તેને જેમ કરવું હોય તેમ કરે.’
મમ્મીને ચિંતા થઇ કે આ ખોટું થઇ રહ્યું છે.તેમણે કહ્યું, ‘ચલ નીતા ઊભી થા. તમારી પસંદની કોફી બનાવું છું અને નેહાને બોલવું છું. આમ કંઈ પણ ધારી લેવા કરતાં તું એને જ પૂછી લે કે જો દોસ્તી ઓછી કરવી હોય કે ન રાખવી હોય મને કહી દે.’ મમ્મીએ કોફી બનાવી,નેહાને ફોન કર્યો ..નેહા આવી અને આવીને સીધી નીતાને ખીજાઈ કે, ‘મને પ્રોફેસરે બીજા કામ સોંપ્યાં તેમાં દસ મિનીટ લાગી ગઈ તો તું ગુસ્સે થઈને ઘરે આવી ગઈ …મારી રાહ કેમ ન જોઈ?’મમ્મી નીતા સામે જોઈ રહ્યાં …નીતા કંઈ બોલી નહિ કારણ કે જે ધાર્યું તે ખોટું હતું અને કંઈ પૂછવા જેવું રહ્યું જ ન હતું.તે સીધી આઈ એમ સોરી કહીને નેહાને ભેટી પડી અને રડવા લાગી, નેહાને કંઈ સમજાયું નહિ. કોફી પીતાં પીતાં મમ્મીએ બધું સમજાવ્યું અને ફરી કહ્યું, ‘જુઓ, આગળ પણ કોઈની કહેલી સાંભળેલી વાત પરથી કંઈ પણ ધારી લેવા કરતાં પૂછી લેજો ….તો ગેરસમજ નહિ થાય અને સંબંધોને આંચ નહિ આવે.’