પેટલાદ તા.8
પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીના મુખ્ય રાજમાર્ગ પર રોજેરોજ હજારો લોકોની અવર જવર થતી હોય છે. આ રસ્તા ઉપર ડામરની જગ્યાએ આરસીસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના રાજમાર્ગની બંન્ને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવાની થતી નીકો બાબતે વિવાદ છંછેડાયો છે. જેને કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી રસ્તાનું કામ અટવાયું છે. જેથી શહેરની પ્રજા ભારે પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ નીક બનાવવા તથા નહીં બનાવવાની લેખિતમાં અરજી કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરવા બંન્ને પક્ષના લોકટોળા પાલિકા ખાતે પહોંચી ગયા હતા.
પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાંથી નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીનો મુખ્ય રાજમાર્ગ પસાર થાય છે. આ ડામરનો રાજમાર્ગ બિસ્માર થયેલ હતો. જેથી નગરપાલિકાના ગત બોર્ડે રોડ રિસરર્ફેસિંગ ગ્રાન્ટમાંથી આ રસ્તો આરસીસી બનાવવાનું મંજૂર કર્યું હતું. આશરે રૂ.15 લાખના ખર્ચે 310 મીટરની લંબાઈ સુધીના આ રસ્તાના કામની શરૂઆત ગત દિવસોમાં થઈ હતી. જે કામ ચાવડી બજાર સુધી પહોંચ્યા બાદ આગળના લગભગ 200 મીટરના આરસીસી માટે વિવાદ છંછેડાયો હતો. કારણકે ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના રસ્તાની બંન્ને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે નીકો બનાવવાની હતી. જે કામ લગભગ રૂ.9 લાખના ખર્ચે યુડીપી 88ની ગ્રાન્ટમાંથી મંજૂર થયું હતું. પરંતુ આ વિસ્તારના કેટલાક રહિશો અને દુકાનદારો નીકો બને તેમાં રાજી હતા, જ્યારે કેટલાક નારાજ હતા. અહિયાં સ્થાનિક વેપારીઓ અને રહીશોની જીદના કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી આરસીસીનું કામ ચાવડી બજારથી સ્થગિત થઈ ગયું છે. જેને કારણે અંબામાતા, નાગરકુવા, ઝંડાબજાર, ગાંધીચોક વગેરે વિસ્તારના લોકોને અવર જવર કરવાની ભારે હાલાકી ભોગવવી પડે છે.
રણછોડજી મંદિર તરફથી ગામતળ વિસ્તારથી છેક અંતરિયાળ સુધી આ જ મુખ્ય રાજમાર્ગનો રોજ હજારો લોકો ઉપયોગ કરતા હોય છે. છતાં સ્થાનિકોની જીદના કારણે હાલ કામ ટલ્લે ચઢતાં પ્રજા પરેશાન થઈ રહી છે. આ મામલે આજરોજ બંન્ને બાજુના સ્થાનિક રહીશો તથા દુકાનદારોએ પાલિકામાં લેખિત અરજી આપી રજૂઆત કરી હતી. જેથી પાલિકા તંત્ર દોડતું થતાં ચીફ ઓફિસર અને એન્જિનિયર સહિતનો કાફલો વિવાદીત સ્થળે પહોંચ્યો હતો. જે બાબતે ઈ.ચા. ચીફ ઓફિસર વંદના મીણાએ લોકોને સાંત્વના આપતા કહ્યું હતું કે પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ રાજમાર્ગ ઉપર પાણીની લાઇનો તૂટતાં ઠેર ઠેર પાણી ભરાવા સાથે અસહ્ય ગંદકી જોવા મળે છે.
પેટલાદમાં નીક મુદ્દે પ્રજાનો પાલિકામાં હલ્લાબોલ
By
Posted on