Business

રિઝર્વ બેન્કના નિર્ણયની અવળી અસર, શેરબજાર તૂટ્યું

નવી દિલ્હી: સવારે ઉઘડતા બજારે શરૂઆતના કામકાજમાં ઉછાળા પછી આજે શેરબજાર (Sensex) તૂટ્યું હતું. જે દિવસના અંત સુધી રિકવર થઈ શક્યું ન હતું. બજાર બંધ થયું ત્યાં સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (BSE) 30 શેરનો સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટીને બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (Nifty) 200 પોઈન્ટથી વધુ ઘટીને બંધ થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત બાદ શેરબજારમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ વખતે પણ આરબીઆઈએ (RBI) રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

  • સવારે ઉછાળા સાથે ખૂલેલું બીએસઈ 700 પોઈન્ટથી વધુ તૂટ્યું, નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો

Pરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે સવારે 10 વાગ્યે MPCની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. આ સાથે તેમણે કહ્યું કે બેઠકમાં હાજર રહેલા છ સભ્યોમાંથી 5 રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાના પક્ષમાં હતા. એટલે કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. રેપો રેટમાં છેલ્લો વધારો ફેબ્રુઆરી 2023માં જોવા મળ્યો હતો.

રિઝર્વ બેન્કના આ નિર્ણયના લીધે સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. રેપો રેટને લઈને આરબીઆઈના નિર્ણયની જાહેરાત પહેલા શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ ગઈ હતી. BSE સેન્સેક્સ 209.53 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 72,361.53 પર ખૂલ્યો હતો અને MPC પરિણામો જાહેર થયાની મિનિટોમાં 500થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો.

બજારમાં કારોબારના અંત સુધી આ ઘટાડો ચાલુ રહ્યો. કારોબારના અંતે સેન્સેક્સ 723.57 પોઈન્ટ અથવા 1 ટકાના ઘટાડા સાથે 71,428.43 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 60.30 પોઈન્ટ અથવા 0.27 ટકા ઉછળીને 21,990.80 પર ખુલ્યો હતો. પરંતુ આરબીઆઈની જાહેરાત બાદ શરૂ થયેલો ઘટાડાનો ટ્રેન્ડ બજાર બંધ થવા સુધી ચાલુ રહ્યો. શેરબજારમાં કારોબારના અંતે તે 212.55 પોઈન્ટના ઘટાડા સાથે 21,717.95ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે સેન્સેક્સના માત્ર 8 શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી 50ના માત્ર 15 શેર જ ગ્રીન ઝોનમાં હતા. એટલે કે મોટાભાગના શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. તેના કારણે ઓવરઓલ ઈન્ડેક્સ પર દબાણ જોવા મળ્યું હતું.

એફએમસીજી સહિતના આ ક્ષેત્રોમાંથી ટેકો મળ્યો નથી
આજે બજારને મોટાભાગના સેક્ટર્સ તરફથી સપોર્ટ મળ્યો ન હતો. FMCG સેકટરે સૌથી વધુ દબાણ સજર્યું હતું. FMCG સેક્ટરનું ITC સેન્સેક્સ પર ટોપ લૂઝર છે અને બ્રિટાનિયા નિફ્ટી પર ટોપ લૂઝર છે. આ સિવાય અન્ય સેક્ટરની વાત કરીએ તો નિફટીની બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઓટો સેકટર ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યા છે.

FIIsનું વેચાણ
વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર પર નોંધપાત્ર દબાણ સર્જાયું હતું. એક ટ્રેડિંગ દિવસ પહેલા FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) ખરીદ્યા કરતાં વધુ શેર્સ વેચ્યા હતા. એક્સચેન્જ પર ઉપલબ્ધ ડેટા અનુસાર 7 ફેબ્રુઆરીએ વિદેશી રોકાણકારોએ રૂ. 1691.02 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. FIIએ ચાલુ મહિને અત્યાર સુધીમાં રૂ. 2,888.51 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું छ.

DII ની સુસ્ત ખરીદી
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIlIs) વિશે વાત કરીએ તો 7 ફેબ્રુઆરીના રોજ તેઓએ વેચાણ કરતાં વધુ ખરીદી કરી હતી પરંતુ તફાવત ઘણો નાનો રહ્યો હતો. એકસચેન્જ પર ઉપલબ્ધ ડેટા અનુસાર DII એ 7 ફેબ્રુઆરીના રોજ રૂ. 327.73 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી. જો કે, જો આ આખા મહિનાની વાત કરીએ તો તેણે રૂ. 3,570.96 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી.

Most Popular

To Top