National

ખેડૂતોએ રસ્તો રોકી દેતાં દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, શું છે સમગ્ર મામલો જાણો

નવી દિલ્હી: ફરી એકવાર ખેડૂતો આંદોલનના (Farmers Movement) માર્ગે જઈ રહ્યાં હોવાનું ચિત્ર ખડું થયું છે. આજે ઉત્તર પ્રદેશથી (UP) મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હી (Delhi) તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે તેઓને નોઈડામાં (Noida) જ અટકાવી દીધા હતા. તેથી ખેડૂતો રસ્તે બેસી ગયા હતા. પરિણામે નોઈડામાં મહામાયા ફલાયઓવર નજીક દલિત પ્રેરણા સ્થળ પર ખેડૂતોની મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. જેના લીધે ટ્રાફિક (Traffic) જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ છે. પોલીસે અહીંના માર્ગો પહેલાથી જ ડાયવર્ટ કરી દીધા હતા. અહીં ક્રેન, બુલડોઝર, વજ્ર વાહનો અને ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર પર લાંબો જામ છે. અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેથી લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, પોલીસ સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે, જેથી તેઓ તેમનો વિરોધ બંધ કરે.

ખેડૂતોના પ્રદર્શન પહેલા કલમ 144 હેઠળ 5 થી વધુ લોકોના એકઠા થવા અને ધાર્મિક અને રાજકીય સહિત અન્ય કોઈપણ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ છે. ટ્રાફિક પોલીસે દાદરી, તિલાપાટા, સૂરજપુર, સિરસા, રામપુર-ફતેહપુર અને ગ્રેટર નોઈડાના અન્ય માર્ગો પર ડાયવર્ઝન અંગે લોકોને ચેતવણી આપી છે.

ગૌતમ બુદ્ધ નગરના એસીપી (કાયદો અને વ્યવસ્થા) શિવહરી મીણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાથે જ તમામ સરહદો 24 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. સાથે જ નોઈડા આવતી તમામ ટ્રેનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?
નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને જમીનના પ્લોટની માંગને લઈને ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથોએ તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ વધારવા માટે 7 ફેબ્રુઆરીએ ‘કિસાન મહાપંચાયત’ બોલાવી હતી. તથા 8મીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી.

ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી. કિસાન સભાના જિલ્લા પ્રમુખ રૂપેશ વર્માએ જણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધ નગરમાં ત્રણેય સત્તામંડળોમાં ખેડૂતોની સમસ્યાઓ સમાન છે. 10% રહેણાંક પ્લોટનો મુદ્દો ત્રણ સત્તામંડળોની બોર્ડ મીટિંગ દ્વારા પસાર થયા બાદ સરકારની મંજૂરી માટે પેન્ડિંગ છે. ખેડૂત નેતા સુનિલ ફૌજીએ જાહેરાત કરી હતી કે અન્ય તમામ સંગઠનોને જોડીને મોટી સંખ્યામાં ખેડૂતોને આંદોલનમાં સામેલ કરવામાં આવશે.

Most Popular

To Top