SURAT

સુરતના બ્રેડલાઈનર-SVNIT સર્કલ પર ફ્લાયઓવર બ્રિજ બનાવાશે, હેલ્થ સેન્ટરમાં હડકવા વિરોધી રસી ફ્રી મળશે

સુરત(Surat): શહેરમાં ડોગ બાઈટના (DogBite) કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન નાના બાળકો ડોગ બાઈટના ભોગ બનતા હોવાના અનેક કિસ્સા બન્યા છે. શ્વાન પર કાબૂ મેળવવામાં અને ખસીકરણના મામલે સુરત મનપામાં કૌભાંડ આચરાયા હોવાના અનેક આક્ષેપો પણ થઈ રહ્યાં છે, ત્યારે આજે સુરત મનપાના શાસકોએ આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે.

આજે સ્થાયી સમિતિના બજેટમાં સુરત મનપાના (SMC) શાસકોએ શહેરના તમામ હેલ્થ સેન્ટરમાં મફતમાં હડકવા વિરોધી રસી ઉપલ્બ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. જેના પગલે આગામી દિવસોમાં શહેરના તમામ વોર્ડમાં આવેલા હેલ્થ સેન્ટરમાં હડકવા વિરોધી રસી મફતમાં મુકાવી શકાશે. જોકે, રખડતાં કૂતરાંઓ પર કાબુ મેળવવા અંગે પાલિકા શું પગલાં લેશે તે અંગે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

દરમિયાન વિકાસના કામો અંગે પણ અનેક નિર્ણયો લેવાયા છે. ખાસ કરીને ટ્રાફિકનો સામનો કરતા સર્કલો પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાના નિર્ણય લેવાયા છે. કારગીલ સર્કલ, બ્રેડલાઈનર સર્કલ, રાંદેરમાં ઋષભ ટાવર પાસે, પાલ વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. આ ઉપરાંત તાપી પરનો અમરોલી બ્રિજ પહોળો કરાશે. આ સિવાય પણ વિકાસકાર્યો અંગે મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.

શહેરીજનોને 184.13 કરોડની રાહત
મિલકત વેરામાં રાહત જેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જે અનુસાર શહેરીજનો માટે શાસકો ધ્વારા રૂ.૧૮૪.૧૩ કરોડની રાહત જાહેર કરાઈ છે. પ્રોપર્ટી ટેક્ષની સને 2022-23 સુધીની કુલ 2,98,474 રહેણાંક મિલકતોની બાકી રકમ પર 100 ટકા વ્યાજમાં માફી જેની રકમ 125.60 કરોડ થાય છે. આ ઉપરાંત કુલ 72,948 બિન-રહેણાક મિલકતોને વ્યાજમાં 50 ટકા માફી જેની રકમ 58.53 કરોડ થાય છે.કુલ 184.13 કરોડની રાહત તા. 31-3-2024 સુધીમાં વેરો ભરનારને આપી શકાશે. ઉપરોકત મિલકત વેરાની રેવન્યુ આવકમાં વધારો કરનાર ઝોન/વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીતે બિરદાવવામાં આવશે.

સ્થાયી સમિતિના બજેટમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો

  • કતારગામ અને રાંદેર ઝોનમાં નાઈટ બજારનું આયોજન
  • મચ્છરના ઉપદ્રવને નાથવા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે
  • શહેરની તમામ સ્મશાન ભૂમિને 5-5 કરોડની ગ્રાન્ટ અપાશે
  • તાપી નદી પર અમરોલી બ્રિજ પહોળો કરશે
  • પાલમાં આઇકોનિક ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
  • રાંદેરમાં ઋષભ ટાવર પાસે તેમજ રાંદેર રોડ જુલેલાલ મંદિર પાસે ફ્લાય ઓવારે બ્રીજ
  • બ્રેડ લાઈનર જંક્શન પર ફ્લાય ઓવર બ્રીજ બનશે
  • એસવીએનઆઈટી તેમજ કારગીલ ચોક બંને જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજ
  • ઉધના ત્રણ રસ્તા પર વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ પાસે ફ્લાય ઓવર બ્રિજ
  • કનકપુર વિસ્તારમાં પણ એક ખાડી બ્રિજ બનશે

શહેરીજનો માટેના નવા પ્રકલ્પો

  • વેસ્ટ ઝોનમાં જહાંગીરાબાદમાં ટી.પી સ્કીમ નં. 44 એફ.પી.11માં કોમ્યુનિટી સેન્ટરખાતે અદ્યતન તરણકુંડ.
  • જહાંગીરપુરામાં ટી.પી. 46 એફ.પી. 87 ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ.
  • પાલમાં ટી.પી. સ્કીમ નં.74 માં આવેલા જગદીશચંદ્ર બોઝ એકવેરીયમથી ભુલકા વિહાર સ્કુલ સુધીના 60.00 મી. પહોળાઇના ટી.પી. રસ્તાને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન.
  • સાઉથ વેસ્ટ ઝોનમાં સુલતાનાબાદ-ભીમપોરની ટી.પી. 79 એફ.પી. 152 ખાતે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ.
  • રૂંઢ-મગદલ્લા ટી.પી. 4 એફ.પી. 70 ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ.
  • ટી પી.9 એફ પી 193, એમ-8, મજુરા ખાતે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ
  • સાઉથ ઝોન-બી (કનકપુર) ના સચિન, કનકપુર-કનસાડ, પારડી-કણદે, તલંગપોર, પાલી, ઉંબેર વિગેરે વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડવા જીઆવ ખાતે વોટર વર્કસનું આયોજન.
  • સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અલાયદા વોટર સપ્લાય સિસ્ટમના ભાગરૂપે મર્યાદિત ક્ષમતાનો ઇન્ટેકવેલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તેને આનુસાંગિક પ્રકલ્પોનું આયોજન.
  • લિંંબાયત ઝોન નવાગામ વિસ્તારમાં વધતી જતી વસ્તીની પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા ઝોનની પાણી પુરવઠા યોજનાને સુદૃઢીકરણ કરવાનું આયોજન.

છાપરાભાઠામાં 25 એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
છાપરાભાઠા ખાડીના મલિન જળને ઇન્ટરસેપ્ટ કરીને 25 MLD નો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન.
ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને તમામ ઝોન માટે સુએઝ વોટર ડીવોટરિંગ માટે ઝોન દીઠ 2 નંગ ટ્રોલિ માઉન્ટેડ પંપની ખરીદી કરવાનું આયોજન. છાપરાભાઠા-કોસાડ ખાડી પર આર.સી.સી. બોક્ષ કલ્વર્ટ બનાવવાનું આયોજન કરાયું છે.

હંગામી ધોરણે વેન્ડીંગની પરવાનગી
સુરત શહેર વિસ્તારમાં પાત્રતા ધરાવતા ફેરીયાઓને વેન્ડીંગના હેતુ માટે તદ્દન હંગામી ધોરણ વપરાશ માટે પરવાનગી આપવા અંગેની નીતિ બનાવવાનું આયોજન કરાયું છે. જાહેર રસ્તા પર ફેરીયાઓ વેન્ડીંગ પ્રવૃત્તિ ન થાય તે સાથો સાથે ફેરીયાઓની આજીવિકા બંધ ન થાય તેમજ ફેરિયાઓના પરીવારજનોએ આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો માનવીય અભિગમ દાખવી સુરત મહાનગરપાલિકા હસ્તકની ખુલ્લી જમીનો કે જેનો નજીકના ટૂંકા સમયમાં આયોજન ન હોય, ઉપયોગમાં ન લેવામાં આવનાર હોય તેવી જમીનો પર કેરીયાઓને વૈન્ડીંગ પ્રવૃત્તિની પરવાનગી આપવાની તમામ ઝોનમાં સર્વગ્રાહી નીતિ તૈયાર કરવાનું બજેટના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું છે.

બી.આર.ટી.એસ. માટે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે
બી.આર.ટી.એસ. બસ શેલ્ટર બનાવવા માટે નવું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાનો નિર્ણય લેવાયો છે. બી.આર.ટી.એસ. બસ સેવાના જાહેર પરિવહનનું માળખું વધુ મજબુત કરવા સારૂ આ નિર્ણય લેાવયો છે. તે અંતર્ગત સચિન GIDC નાકાથી સચિન રેલ્વે સ્ટેશન સુધી, ઉધના ત્રણ રસ્તાથી ડીંડોલી ખરવાસા થઈ બોળંદ ગામ સુધી અને VIP રોડ પર ખાટુ શ્યામ મંદિરથી ગેલ કોલોની સુધીના રૂટ પર બી.આર.ટી.એસ. બસ સેવાનું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top