SURAT

સિવિલમાં પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ મહિલાએ બાળકને જન્મ આપ્યો

સુરત(Surat): શહેરના સિવિલ હોસ્પિટલમાં (SuratCivilHospital) જાહેરમાં બાળકને જન્મ અપાતો હોવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. 108 એમ્બ્યુલન્સમાં, સ્ટ્રેચર પર અનેકોવાર સગર્ભાઓ બાળકને જન્મ આપતી હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરત સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં બન્યો હતો.

  • સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો OPD માં સગર્ભા માતાએ જાહેરમાં બાળકને જન્મ આપ્યો
  • પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ પ્રસુતિ થઈ
  • નવસારી બજારની રહેવાસી મહિલાએ બાળકને જન્મ આપ્યો
  • પાણી સાથે બાળક OPD બહાર પ્રસુતિ થતા જોઈ લોકો જોતા રહ્યા
  • નર્સિંગ હેડ અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યા
  • સફાઈ કામદાર બહેનોએ સાડી અને પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસૂતાને ઢાંકી

અહીં એક સગર્ભાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી અને જોત જોતામાં બાળકનું માથું બહાર આવી ગયું હતું. ત્યારે તાત્કાલિક નર્સિંગ સ્ટાફે સફાઈ કર્મચારી બહેનો અને નર્સિંગ સ્ટાફે સાડી-દુપટ્ટા બાંધી સગર્ભા મહિલાને કવર કરી જાહેરમાં પ્રસુતિ કરી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપતા ખુશીની લહેર ફરી વળી હતી.

આજે મંગળવારે તા. 6 ફેબ્રુઆરીના રોજ સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં એક મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. બાળક થોડું બહાર આવી ગયું હતી. તેથી સફાઈકર્મી બહેનો તથા અન્ય મહિલાઓની સાડી અને દુપટ્ટાની આડશ કરીને બાળકને જન્મ અપાવાયો હતો. હાલ બાળક અને માતા બન્નેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે.

નવસારી બજારમાં રહેતી મહિલાએ ઓર્થો વિભાગમાં બાળકને જન્મ આપ્યો હતો. પાણી સાથે બાળક OPD બહાર પ્રસુતિ થતા જોઈ લોકો જોતા રહ્યા હતાં. નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી ગયા હતાં. ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને કોર્ડન કરવામાં આવી હતી.

નર્સિંગ સ્ટાફના ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, હું રૂટિન કામ અર્થે ઓર્થો વિભાગ તરફ ગયો હતો. જ્યાં એક મહિલા પ્રસુતિના દર્દથી પીડાઈ રહી હતી. બાળકનું મોઢું બહાર આવી ગયું હતું. લોકો જોઈ રહ્યાં હતાં. આ દ્રશ્ય જોતા જ હું તરત મદદે દોડી ગયો હતો. તાત્કાલિક નર્સિંગ બહેનોને ગાયનેક વિભાગમાંથી ડો. અંજલિને બોલાવી લાવવા દોડાવી હતી. બીજી તરફ નર્સિંગ અને ક્લીનીંગ સ્ટાફમાંથી હંસા વસાવા અને રંજન ચૌધરી, જશોદા ગામીતે તાત્કાલિક બાળક માતાને લઈ લેબર વોર્ડમાં દોડયા હતા. સફાઈ કામદાર બહેનોએ સાડીનો છેડો અને પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસૂતાને આડશ કરીને સમગ્ર પ્રસુતિ કરાવી હતી. હાલ માતા-બાળક બંને સ્વસ્થ છે.

Most Popular

To Top