સુરત(Surat) : શહેરના ઉમરા (Umara) વિસ્તારમાં આવેલા મંદિરમાં મહાદેવને (Mahadev) જીવતા કરચલા ચઢાવાની છે અનોખી માન્યતા. અહીંના રામનાથ ઘેલા મંદિરમાં (RamnathGhelaTemple) દર વર્ષે પોષ એકાદશીએ મેળાનું આયોજન થાય છે. પોષ એકાદશીના દિવસે ભક્તો જીવતા કરચલાથી (LivecrabonShivling) મહાદેવનો અભિષેક કરે છે. કરચલાનો અભિષેક કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. પુજા અર્ચના કરી કરચલાનો મહાદેવને અભિષેક કરી ભક્તો પોતાની માનતા પૂરી કરે છે.
આજે પોષ એકાદશીના દિવસે સવારથી જ ઉમરાના રામનાથ ઘેલા મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. ભક્તોએ જીવતા કરચલાથી મહાદેવનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. અનેક ભક્તો માનતા લેવા આવ્યા હતો કેટલાંય બાધા મુકવા આવ્યા હતા. ભક્તોની ભીડના લીધે મંદિર બહાર લાંબી લાઈન લાગી ગઈહતી.
મહાદેવ પર જીવતા કરચલાનો અભિષેક શા માટે કરવામાં આવે છે?
રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં વર્ષોથી પોષ એકાદશીના દિવસે મહાદેવને જીવતા કરચલાનો અભિષેક કરવાની પરંપરા છે. આ પરંપરા પાછળ રસપ્રદ ઈતિહાસ છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ અહીં રોકાયા હતા. ત્યાર બાદ તેમણે પોતાના કમાનમાંથી શિવલિંગ ઉત્પન્ન કર્યું હતું અને તેની પૂજા અર્ચના કરી હતી. અહીં ભગવાન રામને પોતાના પિતા દશરથના નિધનના સમાચાર મળ્યા હતા, જેથી જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો.
તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને ભગવાન રામે તેમની પૂજા કરી હતી. આ તર્પણ વિધિની પુજા દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર સંખ્યાબંધ જીવતા કરચલા પણ આવ્યા હતા. ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી.
તેથી ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી રામનાથ ઘેલા મંદિરમાં પોષ એકાદશીના દિવસે મહાદેવના શિવલિંગ પર કરચલાનો અભિષેક કરવાનું મહત્ત્વ છે.
દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે. શિવલિંગ પર કરચલા ચઢાવી કેટલાક ભક્તોએ કાનના થતાં રોગો અંગે બાધા મૂકે છે. તો કેટલાકની મનોકામના પૂર્ણ થતાં બાધા છોડી પૂજન-અર્ચન કરે છે. આવું મંદિર સમગ્ર વિશ્વમાં એક જ છે. જ્યાં શિવલિંગ પર જીવિત કરચલા ચઢે છે.