SURAT

બોલો, હવે આનું શું કરવાનું?, સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બિલાડાં સહપરિવાર ફરતા દેખાયાં

સુરત (Surat) : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AI) સુરત એરપોર્ટ (SuratAirport) પર બર્ડ હિટ (BirdHit) અને એનિમલ હિટ (AnimalHit) રોકવા વર્ષે 50 લાખનો ખર્ચ કરી રહી છે. છતાં પણ આ કામગીરી પાછળ વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સુરત એરપોર્ટ ઉપર આજે સુરત – દીવની (SuratDiu) ફ્લાઇટનાં પેસેન્જરો (Passengers) એરપોર્ટનાં બોર્ડિંગ ગેટ વન પાસેથી બસ સેવાનો ઉપયોગ કરી રહ્યાં હતાં. ત્યારે એર સાઈડ વિસ્તારમાં બિલાડીનો (Cat) પરિવાર જોઈ આશ્ચર્યચકિત બન્યા હતાં.

  • ભેંસ, કૂતરા અને શિયાળ બાદ હવે બાકી હતું તે સુરત એરપોર્ટની એરસાઈડ ઉપર બિલાડીનો પરિવાર ફરતો દેખાયો
  • સુરત – દીવની ફ્લાઇટ પેસેન્જરોને બોર્ડિંગ ગેટ વન પાસે બિલાડીઓ ફરતી દેખાતા કેમેરામાં દ્ર્શ્યો કેદ કર્યા
  • વર્ષે ફટાકડા ફોડવા પાછળ 50 લાખનો ખર્ચ કરતા એરપોર્ટનાં વાઈલ્ડ લાઈફ મેનેજમેન્ટની પોલ ખૂલી

કેટલાક પેસેન્જરોએ બિલાડી અને તેની સાથેના બચ્ચાંઓને ફરતા જોઈ વીડિયો ઉતારી, ફોટોગ્રાફ લઈ વાઇરલ કરતા એરપોર્ટનાં વાઈલ્ડ લાઈફ (Wild life) મેનેજમેન્ટની પોલ ખૂલી હતી. સુરત એરપોર્ટની એરસાઈડ પર શિયાળ, કૂતરા અને બિલાડીઓ કચડાઈ જવાની ઘટનાઓ બની છે છતાં એરપોર્ટ પરિસરમાંથી પ્રાણીઓ મળી આવવાની ઘટનાઓ અટકી નથી.

ગયા વર્ષના અંતે એર સાઈડ પર ત્રણ બિલાડી મૃત હાલતમાં મળી હતી. ફ્લાઇટ લેન્ડિંગ સમયે વિમાનની તીવ્ર લાઈટનાં અજવાળામાં બિલાડી જેવા પ્રાણીઓ સ્તબ્ધ થઈ જઇ અકસ્માતનો ભોગ બની જતાં હોય છે. એરપોર્ટ ઓથોરિટી એક તરફ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગમાં પેસેન્જરોને પકડી સેફ્ટી અને સિક્યોરિટીને લગતા વિડિયો વાઇરલ કરી આત્મસંતોષ લેતું આવ્યું છે પણ એરસાઈડ ઉપર ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે.

એરપોર્ટ ઓથોરિટી વાર્ષિક રૂપિયા 50 લાખના ફટાકડા ફોડવા સહિતનો ધૂમાડો કરી રહી છે. પરંતુ એરપોર્ટ પર બર્ડ હિટ અને એનિમલ હિટની ઘટનાઓ બનતી આવી છે. છેલ્લા 6 વર્ષમાં બર્ડ હિટ અને એનિમલ હિટનાં કુલ 101 બનાવો બન્યા છે. આવી ઘટનાઓ માટે સુરત એરપોર્ટ રાજ્યમાં બીજા નંબર પર રહ્યું છે. જ્યારે પહેલા નંબર પર અમદાવાદ, ત્રીજા પર વડોદરા અને ચોથા પર રાજકોટ એરપોર્ટ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એનિમલ હિટથી કમનસીબે કોઈ દુર્ઘટના બને તો ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ સહિતના રાજ્યના એરપોર્ટો પર એએઆઇ ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગ બાદ ઓપરેશનલ એરિયામાં ઇન્સ્પેક્શન કરતી હોય છે. જેમાં મૃત પક્ષી કે પ્રાણી મળી આવે તે આધાર પર બર્ડ હિટ કે પછી એનિમલ હિટની ગણતરી થતી હોય છે.

Most Popular

To Top