સુરત(Surat): મધ્યપ્રદેશથી (MP) આવતા સૂકા કળીદાર સૂકા લસણની (Dry Garlic) ડિમાન્ડ સામે માત્ર 40 ટકા સપ્લાય રહેતાં ભાવો આસમાને પહોંચ્યા છે. આદુ, લસણની પેસ્ટ વિના ભોજનનો સ્વાદ અધૂરો ગણાય છે. ત્યારે ગયા વર્ષે ખેડૂતોને સૂકા લસણના પોષણક્ષમ ભાવ નહીં મળતાં તેમણે લાખોની ખોટ જતાં આ વર્ષે મોટાપાયે ખેડૂતો લસણની ખેતીથી દૂર રહેતા માર્કેટમાં માલની અછત સર્જાઈ છે. રિટેઇલ માર્કેટમાં સૂકા લસણના ભાવ કિલોએ 400થી 500 રૂપિયા ચાલી રહ્યા છે.
- જાન્યુઆરી-ફેબ્રુઆરી-2023માં 20 કિલોનો ભાવ 300થી 400 હતો, જે હવે 2500થી 3000 થઈ ગયો
- ગયા વર્ષે મધ્યપ્રદેશના ખેડૂતોને લસણનો પોષણક્ષમ ભાવ નહીં મળતાં મોટા પાયે ખેડૂતો ખેતીથી દૂર રહેતાં શોર્ટ સપ્લાયને લીધે ભાવો આસમાને પહોંચી ગયા
સુરત એપીએમસી સહિતના જથ્થાબંધ માર્કેટમાં ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી-2023માં 20 કિલો લસણનો ભાવ 300થી 400 બોલાયો હતો. જે હવે 2500થી 3000 થઇ ગયો છે. હોલસેલમાં જ ભાવ ઊંચો ચાલી રહ્યો છે. એની અસર રિટેઇલ માર્કેટ પર પડી છે. રિટેઇલ માર્કેટમાં સૂકા લસણના ભાવ ખૂબ વધી ગયા હોવાથી લોકો ફ્રોઝનમાં આદુ, લસણની પેસ્ટ અને આદુ લસણ તથા લસણ પાઉડરનો ઉપયોગ કરી રહ્યા છે. સૂકા લસણની કળીઓ કરતાં આ આઇટમોના ભાવો સસ્તા પડતા હોવાથી કરિયાણાની દુકાનોમાં એનો ઉપાડ વધ્યો છે.
પાક ઓછો ઊતરતાં ભાવ વધ્યો, નવા માલની આવક થશે ત્યારે ઘટશે: બાબુભાઈ શેખ
સુરત એપીએમસીના ડિરેક્ટર અને વેપારી બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રમાણમાં ખેતી ઓછી થતાં માલની આવક ઘટી છે. નવું અને કાચું લસણ માર્કેટ યાર્ડમાં 2500થી 3000 રૂપિયે 20 કિલો વેચાઈ રહ્યું છે. માલની ડિમાન્ડ સામે સપ્લાય ઓછી છે. લગ્નસરાની સિઝનમાં ડિમાન્ડને લીધે પણ ભાવો વધ્યા છે.
માર્ચમાં નવા માલની આવક શરૂ થશે ત્યારે લસણના ભાવો નીચે આવવાની શક્યતા છે. સુરત એપીએમસીમાં લસણની સપ્લાય મોટા ભાગે મધ્યપ્રદેશના ઇન્દોર, બડનાવર, મંદસૌર, નીમચ, જાવડા, પીપલિયા જેવા જિલ્લાઓના વિસ્તારોમાંથી થાય છે. ગયા વર્ષે માલનો ભરાવો હોવાથી 20 કિલોનો ભાવ 300થી 400 રૂપિયા હતો. હવે માલની અછતને લીધે ભાવ 2500થી 3000 ચાલી રહ્યો છે.