વલસાડ: (Valsad) વલસાડ નજીક હાઇવે (Highway) પર એક પિક અપ ટેમ્પાએ સામેની લેનમાં જઇ એક ટેમ્પા અને એક અર્ટીગા કાર સાથે ગંભીર અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં અર્ટીગા કારમાં મુંબઇ એરપોર્ટ જઇ રહેલા સુરતના ચૌહાણ પરિવારના એક પુરુષ અને એક મહિલાનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતુ. આ ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.
- વલસાડ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં સુરતના સગરામપુરાના ચૌહાણ પરિવારના બેના મોત
- અર્ટીગા કારમાં મુંબઇ એરપોર્ટ જઇ રહેલા સુરતના ચૌહાણ પરિવારના એક પુરુષ અને એક મહિલાનું મોત
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીક હાઇવે પર વાપી તરફથી સુરત તરફ જઇ રહેલા એક પિક અપ ટેમ્પો (નં. GJ-05-CU-3103)એ પુરપાટ ઝડપે તેના સ્ટિયરીંગ પર કાબુ ગુમાવી સામેથી આવતા એક આઇસર ટેમ્પો (નં.GJ-16-W-7966) અને એક અર્ટીગા કાર (નં.GJ-05-RS-8273)ને અડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સુરત સગરામપુરા વિસ્તારમાં રહેતા ચૌહાણ પરિવારના સુનિલભાઇ ચૌહાણ (ઉ.વ.50) અને ભારતીબેન ચૌહાણ (ઉ.વ.60) નું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતુ.
ચૌહાણ પરિવારના સભ્ય સુરેશભાઇ લંડન જઇ રહ્યા હોય તેમને મુકવા તેમના પરિવારજનો કાર લઇને એરપોર્ટ જઇ રહ્યા હતા. એ સમયે આ અકસ્માત થયો હતો. જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે અન્યોને નાની મોટી ઇજા પહોંચી હતી. આ ઘટનામાં પિક અપ સવાર અને ટેમ્પો સવારને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. જોકે, તેમની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે રવિવારે સાંજે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.