નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે જાહેરાત કરી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મોદીએ તેમની સાથે વાત પણ કરી હતી અને તેમને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ લાલકૃષ્ણ અડવાણીએ ભારત રત્નથી સન્માનિત થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ માત્ર તેમનું નહીં પરંતુ તેમના આદર્શો અને સિદ્ધાંતોનું પણ સન્માન છે.
સન્માનની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા તેને મારું સદ્ભાગ્ય ગણીશ કે મને તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી છે. વડા પ્રધાને કહ્યું કે અડવાણીજીને આ સન્માન આપવામાં આવશે તે જણાવતાં તેઓ ખૂબ જ ખુશ છે. ગયા મહિને સરકારે સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનની જાહેરાત કરી હતી.
ભારત સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કારની જાહેરાત બાદ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી પ્રથમ વખત જોવા મળ્યા હતા. તેમણે પોતાના ઘરેથી હાથ હલાવીને લોકો અને મીડિયાકર્મીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમની સાથે તેમની પુત્રી પ્રતિભા અડવાણી પણ જોવા મળી રહી છે. બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણીએ ભારત રત્ન પુરસ્કાર બાદ તેમનું મોઢું મીઠુ કરાવ્યું હતું અને તેમને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.
મારા આદર્શો અને સિદ્ધાંતોનું પણ સન્માન
96 વર્ષીય અડવાણીએ કહ્યું કે આ માત્ર એક વ્યક્તિ તરીકે જ તેમનું સન્માન નથી પરંતુ તેમણે જે આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરવાનો પ્રયાસ કર્યો છે તેને પણ સન્માન છે. તેમણે કહ્યું કે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)માં જોડાયા પછી મને જીવનમાં જે પણ જવાબદારી મળી તેને નિભાવતા મને મારા પ્રિય દેશને સમર્પિત અને નિઃસ્વાર્થ સેવા કરવામાં ખૂબજ જ ખુશી મળી. મને ભારત રત્ન આપવા બદલ હું રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમને જણાવી દઈએ કે અડવાણીને ભાજપના સર્વકાલીન મહાન નેતાઓમાંના એક ગણવામાં આવે છે અને તેમણે પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.