World

પાકિસ્તાની કોર્ટનો મોટો નિર્ણય: ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન ગેરકાનૂની, 7 વર્ષની જેલની સજા

ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ હવે તેમના અંગત જીવનમાં મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાન અને ભૂતપૂર્વ પ્રથમ મહિલા બુશરા બીબીના લગ્નને ગેર-ઈસ્લામિક જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં 4 દિવસ પછી ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સ્થાનિક કોર્ટના આ નિર્ણયથી પીટીઆઈ નેતા માટે મોટી મુશ્કેલી આવી ગઈ છે. આ પહેલા ઈમરાન ખાને નામ લીધા વગર આરોપ લગાવ્યો હતો કે આર્મી ચીફે તેમને ઓફર કરી છે કે જો તેઓ 3 વર્ષ સુધી રાજકારણથી દૂર રહે તો તેમના લગ્ન બચાવી શકાય છે. ઈમરાન ખાને આમ કરવાની ના પાડી દીધી હતી. બીજી તરફ સુનાવણી દરમિયાન બુશરા બીબીના પૂર્વ પતિ સાથે પણ તેઓની ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પાકિસ્તાનની એક કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ઈમરાન ખાને ઈદ્દત દરમિયાન બુશરા બીબી સાથે લગ્ન કર્યા હતા જે ગેર-ઈસ્લામિક છે. ઈમરાન ખાન અને બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા ઈમરાન ખાનને તોશાખાના અને સાયફર નામના બે અન્ય કેસમાં કુલ 24 વર્ષની જેલની સજા થઈ હતી. તોશાખાના કેસમાં બુશરા બીબીને પણ કોર્ટે જેલની સજા ફટકારી છે. ઈમરાન ખાનના ઘર બનીગાલાને જેલમાં ફેરવી દેવાયું છે અને ત્યાં જ બુશરા બીબી પોતાની સજા ભોગવી રહી છે. ઈમરાન ખાન અને બુશરા બીબી પર બિન-ઈસ્લામિક લગ્ન કરવા બદલ 50-50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

આ પહેલા બુશરાના પૂર્વ પતિએ આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાન અને બુશરાના લગ્ન પહેલા ગેરકાયદેસર સંબંધો હતા. બુશરા બીબીના પૂર્વ પતિ ખ્વાર માનેકાએ આરોપ લગાવ્યો છે કે ઈમરાન ખાને તેમનું ઘર તોડી પાડ્યું અને તેમના બાળકો ડિપ્રેશનમાં આવી ગયા છે. ઈમરાન ખાને તમામ આરોપોને ફગાવી દીધા છે. દરમિયાન જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીએ શુક્રવારે “વહીવટ દ્વારા સર્જાયેલી કમનસીબ સુરક્ષા પરિસ્થિતિ” અને સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ટાંકીને 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓ પહેલાં નિર્ણાયક આંતરિક ચૂંટણીઓ યોજવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. દેશની સામાન્ય ચૂંટણીને માંડ એક સપ્તાહ બાકી છે. 71 વર્ષીય ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ ગુરુવારે 5 ફેબ્રુઆરીએ સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top