Columns

નજરોનો તફાવત

એક ગંદી કચરાથી ભરેલી ગલીમાં એક નાકડો છોકરો ખભા પર બે મોટી ગુણી લઈને કચરો વીણી વીણીને એક ગુણીમાં પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીકની થેલીઓ અને બીજી ગુણીમાં કાગળના ટુકડાઓ, કાગળની થેલીઓ અને બોક્સ નાખી રહ્યો હતો.આખી ગલી એકદમ કચરાથી ભરેલી હતી.પસાર થનાર બધા નાક પર રૂમાલ રાખી મોઢું બગાડી જઈ રહ્યા હતા.જયારે આ છોકરો તો ઉત્સાહથી કચરો ફેંદીને સતત કાગળ અને પ્લાસ્ટિક ગોતી ખભે રહેલી જુદી જુદી ગુણીમાં નાખી રહ્યો હતો. ઘણી વાર સુધી કચરો ફેંદીને વીણીને તે થાક્યો અને પોરો ખાવા બે ગુણીઓ બાજુ પર મૂકી એક દુકાનના ઓટલે બેઠો.દુકાનના નોકરે તેને ત્યાંથી ઊઠવા કહ્યું.પણ માલિકે તેને  એમ ભગાડવાની ના પાડી.

દુકાનના માલિકે તેને પાણી આપ્યું અને કહ્યું, ‘દીકરા તારે કેમ આવું  કચરો વીણવાનું ગંદુ કામ કરવું પડે છે? શું મજબૂરી છે તારી?’ નાનકડો છોકરો બોલ્યો, ‘મોટા સાહેબ, આ કચરાનો ઢગલો તમારા માટે નકામો અને કચરો છે. તમને તે જોવો નથી ગમતો.તમે બધા નાકનું ટીચકું ચઢાવી મોઢા અને નાક પર રૂમાલ દબાવી પસાર થાવ છો.મારા જેવા કચરો વીણવાનું કામ કરનારા પર દયા ખાવ છો.પણ શેઠ, તમને ખબર છે મને આ કચરાનો ઢગલો જોવો ગમે છે.મને તેમાંથી કોઈ ખરાબ વાસ નથી આવતી.મને તો તેમાં મારી બીમાર મા માટે દવા દેખાય છે.

મારા અને મારા નાના ભાઈ માટે રોટી દેખાય છે.આ કચરો છે તો અમે તેમાંથી કામની વસ્તુઓ શોધી, છૂટી પાડી વેચીને પૈસા કમાઈશું અને તમને ખબર છે, અમે કચરામાં જઈને કચરામાંથી પણ રોજીરોટી શોધીએ છીએ.’ દુકાનદાર આટલા નાનકડા છોકરાનો જવાબ સાંભળી અને તેની આવી સમજ જોઇને વિચારમાં પડી ગયો કે ‘દરેક વસ્તુમાં કૈંક તો કામનું હોય જ છે.કચરો પણ કોઈકના માટે કામનો છે.આપણી નજરોનો તફાવત છે કે જે કચરો આપણને સાવ નકામો અને ભારરૂપ લાગે છે.ગંદકી લાગે છે.તે જ કચરો આ કચરો વીણવાનું કામ કરનારને એમાં પોતાની રોટી દેખાય છે.તેને તે ગંદકી નથી લાગતી.આ રીતે જીવનમાં એવું ઘણું બધું હોય છે, જે કોઈક માટે સાવ નકામું તો અન્ય માટે ઉપયોગી હોય છે.બસ, નજરોનો તફાવત હોય છે.દરેકની જોવાની દૃષ્ટિ જુદી જુદી હોય છે.

Most Popular

To Top