ખેડા, તા.1
ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે સંરક્ષણ દીવાલ બનાવવા માટે કામ મંજૂર કરાયું હતું. કોન્ટ્રાકટર દ્વારા ગણતરીના દિવસો જ મનસ્વીપણે બાંધકામની કામગીરી કરીને દીવાલનું કામ આટોપી લેવાયું હતું. સ્થાનિક લોકોએ આ અગાઉ તકલાદી કામનો આક્ષેપ કરી રોષની લાગણી વ્યક્ત કરી હતી. જોકે આજે પૂર્ણ થયા બાદ માત્ર 7 દિવસ વીત્યા છે ત્યાં તો દીવાલ તુટી પડી હતી. જેથી ભારે હોબાળો મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ખેડા નગરમાં ઈન્દિરા નગર વિસ્તારમાં નવી દીવાલ બનાવવા માટે કામ એકાદ સપ્તાહ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટર દ્વારા તળીયેથી નવેસરથી બાંધકામ કરી દીવાલ બનાવવાને બદલે તળીયેથી જૂની ત્રણ ફૂટની દીવાલ પર જ 5 ફૂટ નવી દીવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી હતી. દીવાલનું કામ પૂર્ણ થયું હતું. ત્યારબાદ દીવાલ નજીક જ ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ગટરના કામ માટે જેસીબીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ગટરની કામગીરી ચાલુ હતી તે દરમિયાન એકાએક નવી બનાવાયેલ દીવાલ ઘસી પડી હતી.દિવાલ ધરાશાયી થવાથી સ્થાનિક રહીશોમા નાસભાગ મચી ગઇ હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવ સ્થળની આસપાસ આવેલા 15 થી વધુ મકાનોમાં ખુબ મોટુ નુકશાન થવા પહોંચ્યું હતું. દીવાલ ધરાશાયી થતા જ આજુબાજુમાંથી લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ દીવાલનુ તકલાદી કામ બાબતે ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી. સ્થાનિક નાગરિકોએ દીવાલ તુટી પડવાથી નુકસાન વેઠવું પડતાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ દીવાલ તુટી પડવાથી થયેલ નુકસાન ભરપાઈ કરવાની માંગણી કરી હતી. આ અંગે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
ખેડા પાલિકા દ્વારા પાણીની ટાંકી, દિવાલ સહિત સાડા ત્રણ કરોડનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં આ ઘટના બની હતી.
ખેડામાં નવી દીવાલ 7 જ દિ’ માં તૂટતાં હોબાળો
By
Posted on