Vadodara

આણંદમાં ખાલી તળાવોની સફાઈ માટે 17 લાખ ખર્ચાશે

આણંદ, તા.30
આણંદ પાલિકા વિસ્તારમાં આવેલા ચાર તળાવની સાફ સફાઈ બહાને 17 લાખ જેટલી માતબર રકમ ખર્ચી નાખવા માટે તખ્તો ગોઠવાયો છે. પાલિકામાં સત્તાધીશોના શાનપણ હેઠળ ગણતરીની મિનિટોમાં જ વિવિધ એજન્ડામાં દર્શાવેલ ઠરાવ મંજૂર મંજૂર કહીને સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવશે. નિયત થયેલ એજન્ડામાં આણંદના ચાર તળાવની સાફ સફાઈનું કામ નિશ્ચિત કરવામાં આવ્યું છે.
આણંદ શહેરમાં આવેલા બાકરોલ વડતાલ રોડ પર આવેલા ગોયા તળાવ માટે 4,96,800 ખર્ચ, શિખોડ તળાવ અને કંકાવટી તળાવ માટે 4,80,240 ખર્ચ, શાકમાર્કેટ પાછળનું મોટું ગોયા તળાવ 4,14,000 ખર્ચ, રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલા નાનું ગોયા તળાવ 3,31,200 ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નિયત થયેલ ખર્ચ હેઠળ ચારેય તળાવમાંથી જંગલી વનસ્પતિ અને વેલો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આમ કુલ 17 લાખ ઉપરાંતની રકમ ખર્ચવા માટે સામાન્ય સભામાં કામ મંજૂર કરવામાં આવશે.
આણંદના ચાર તળાવની સાફ સફાઈના કામ હેઠળ આણંદ પાલિકાની તિજોરીમાંથી મંજૂરી પાત્ર રકમનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. સામાન્ય સભામાં 17 લાખની જેટલી માતબર રકમ ખર્ચવા મામલે વિપક્ષ દ્વારા ભારે વિરોધ થનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે ભાજપના શાસનની નીતિ રીતિ મુજબ ગણતરીની મિનિટોમાં સામાન્ય સભા સમેટાઇ જતી હોવાથી સંઘર્ષ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

Most Popular

To Top