જેટલા પણ દેશો ધર્મના પનારે પડ્યા છે, એ દેશો અધોગતિના માર્ગે ગયા છે. કોઈ પણ દેશનો વિકાસ ધર્મના માર્ગે નહીં, પરંતુ વિજ્ઞાનના રસ્તે જ સંભવિત છે. હમણાં અયોધ્યામાં શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ, એને લઈને સમગ્ર દેશમાં એક ધાર્મિક ઉન્માદ જોવા મળ્યો. મંદિરનું નિર્માણ ભલે પ્રજાના પૈસે થયું હોય પણ પ્રાણપ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ ભાજપ સરકાર પ્રેરિત રાજકીય રહ્યો. ભાજપ ભલે કહેતું હોય કે અમે મત માટે કામ નથી કરતા પણ ભાજપનાં બધાં જ કાર્યો મતલક્ષી હોય છે. કોંગ્રેસે અત્યાર સુધી લઘુમતીઓને પંપાળ્યા, હવે ભાજપ બહુમતીને પંપાળી રહી છે.
આ પંપાળવાની રમતમાં “ખો” દેશનો નીકળી રહ્યો છે. કેટલાકને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવો છે, ત્યારે પ્રશ્ન થાય કે શું દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાથી દેશની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે? દેશની પડખે નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે, તો ત્યાં શું દૂધ ઘીની નદીઓ વહે છે? કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સાથે સરખાવ્યો છે. આપણા દેશમાં પણ રાજકારણીઓ ધર્મનું અફીણ ચટાડીને પ્રજાને મદહોશ રાખવાની કોશિશ કરી રહ્યાં છે, જેથી પ્રજા એમના પાયાના પ્રશ્નો અને સમસ્યાઓને ભૂલી જાય અને સરકાર સામે સવાલો ના કરે.
હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ વેશભૂષામાં અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે જતાં જોયા. ત્યારે મનમાં સવાલો ઊઠે કે આપણે પ્રાઇમ મિનિસ્ટરને ચૂંટ્યા છે કે પ્રાઇમ પૂજારીને? વડા પ્રધાન અનુષ્ઠાન કરે કે ઉપવાસ કરે એથી દેશને શું ફાયદો? વડા પ્રધાન 18 કલાક કામ કરે છે તો શું મંદિરે મંદિરે જવું અને ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લેવો એ પણ ૧૮ કલાકના કામમાં જ ગણાતું હશે ને? ધર્મનિરપેક્ષ બંધારણમાં વડા પ્રધાનથી લઈને વડાપાઉંવાળા સુધીનાં લોકોની ધાર્મિક માન્યતાઓ અંગત બાબત બની રહે છે, નહીં કે પ્રદર્શનની. સંસદભવનને પગથિયે માથું ટેકવનાર વડા પ્રધાન આમ પણ સંસદમાં બનેલા કાયદા અને બંધારણને ઘોળીને પી ગયા છે.
એમને મન મોંમાંથી જે નીકળે એ કાયદો અને બંધારણ. વિશ્વની સો શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં આપણી એક પણ યુનિવર્સિટીનું નામ નથી. વિદેશીઓ યુનિવર્સિટી માટે ગૌરવ લે છે અને આપણે મંદિરો માટે ગૌરવ લઈએ છીએ. યુરોપ, અમેરિકા અને બ્રિટન જેવાં રાષ્ટ્રો ખ્રિસ્તીબહુલ રાષ્ટ્રો હોવા છતાંય ત્યાં કંઈ બાઇબલ આધારિત બંધારણ નથી. ત્યાં સેક્યુલર એવું માનવકેન્દ્રિત આધારિત બંધારણ ઘડાયું છે અને આપણે ત્યાં હવે ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવામાં આવી રહ્યા છે. વિરોધીઓનાં મોઢાં બંધ કરતી મોદી સરકાર જ્યારે શ્રીરામનો જયજયકાર કરે, ત્યારે કહેવાનું મન થાય કે શ્રીરામ તો સામાન્ય ધોબીનું પણ સાંભળતા હતા.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.