દિગ્ગજ ભારતીય ટેનિસ ખેલાડી (Tennis Player) રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનનું મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું છે. આ જીત સાથે રોહને ટેનિસમાં ઈતિહાસ રચી દીધો. તે ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) જીતનાર વિશ્વનો સૌથી મોટી ઉંમરના ખેલાડી બની ગયા છે. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. 43 વર્ષની ઉંમરે બોપન્નાનું આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. બોપન્ના ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ટેનિસ ખેલાડી બની ગયા છે. રોહન અને મેથ્યુ એબ્ડેને ઇટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીને 7-6, 7-5થી હરાવ્યા હતા. આ જીત સાથે બોપન્ના હવે WTA રેન્કિંગમાં વિશ્વના નંબર વન ડબલ્સ ખેલાડી પણ બની ગયા છે.
બોપન્ના અને તેના સાથી મેથ્યુ એબ્ડેન આ મેચમાં સંપૂર્ણ રીતે હાવી રહ્યા હતા. મેચમાં આ જોડીએ સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીને સીધા સેટમાં હરાવ્યા હતા. રોહન અને મેથ્યુ એબ્ડેન બંનેએ મેચમાં કુલ આઠ એસ ફટકાર્યા જ્યારે સામેવાળી જોડી માત્ર એક જ વાર આમ કરી શકી. રોહન બોપન્નાએ ગ્રાન્ડ સ્લેમમાં પ્રથમ વખત મેથ્યુ એબ્ડેન સાથે જોડી બનાવી હતી. રોહને તેની કારકિર્દીનું પ્રથમ મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ જીત્યું છે. આ પહેલા 2017માં રોહને કેનેડિયન પાર્ટનર ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે મળીને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
જણાવી દઈએ કે ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ નવા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં આ જોડીએ ટાઈટલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. 2003માં પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરનાર બોપન્ના લાંબા સમયથી પુરૂષ ડબલ્સમાં ગ્રાન્ડ સ્લેમ ખિતાબની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તે તેમાં ક્યારેય સફળ થયા ન હતા. તેઓની કારકિર્દીમાં એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ 2017માં આવ્યો હતો જ્યારે તેમણે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.