Charchapatra

તો પછી બધા ધમપછાડા શાનાં?

તારૂં ભાઈ કોઈ ના આવે હંગાથે…
મોટર ગાડી ને બાગ બગંલા
લઈને બેઠો બાથે,
આ દુનિયામાં એવો નથી દાખલો,
કોઈ લઈ ગયા હંગાથે… વિઠ્ઠલદાસ સાહેબ

પ્રાત: સ્મરણીય સંત કબીર સાહેબ-સતનામ સંપ્રદાયના ચૂનંદા સંત મહાપુરૂષોએ બૃહદ ગુજરાત અને અન્ય રાજ્યોમાં ધર્મ-અધ્યાત્મ ભક્તિની અખંડ જ્યોતને જલતી રાખી છે. સંત પરંપરાનું એક અનોખું મોતી એવા વિઠ્ઠલઇસ સાહેબના પદમાં ઉપરોક્ત શબ્દો માનવજાતને સમ્યક જ્ઞાન થકી ઉર્ધ્વગતિ તરફ લઈ જવા પ્રેરમા આપે છે! દોમ દોમ સાહ્યબી, અઢળક ધન-સંપત્તિ, સુખાકારીના સાધનો કાલપુરૂષ-મૃત્યુના એક જ ઝપાટે નહિવત થઈ જવાના છે, સાથે કશું જ આવવાનું નથી તો પછી આવા ધમપછાડા કરીને છાતી ફૂલાવ્યે કોઈ ફાયદો નથી માત્ર ને માત્ર સદકર્મો, પુરૂષાર્થ-પરમારથ સેવા-સદભાવ, અન્નદાન વસ્ત્રદાન વગેરેની શૂક્ષ્મ મૂડી જ મૃત્યુ પછી સાથે આવશે.

અદ્યતન બંગલા, મોટર-ગાડી, બાગ-બગીચા અને એવી બધી સુવિધા ઉભી કરી, સમાજમાં પોતે કંઈક છે એવો ઠઠારાની જમાવટ માટે હડિયાદોટ મેલી છે. અનીતિ, ભ્રષ્ટાચાર, છેતરપીંડી અને એવા કાળા કરતૂતો થકી મોટાઈનો માહોલ ઊભો કરે તે તો બધું ધૂળમાં જ મળી જવાનું ભાઈ! કબીર સાહેબના જીવન-કવન વિશે આપણે અજાણ નથી. જાત મહેનત, સાદગી સદાચાર, આંગણે આવેલ સંતોની સર્ભરા વગેરે તેઓ પોતાના નિજી વ્યવસાય, હાથ વણાટનું કાપડ તૈયાર કરી, બજારમાં વેચીને, જે કાંઈ મૂલ્ય પ્રાપ્ત થાય તે થકી જીંદગીનું ગાડું ગબડાવતા. એમના શિષ્યો ઉચ્ચ કોટિના સાધન-સંપન્ન હતા કે જેઓ સાહેબને બેઠાબેઠ બધી જ જરૂરિયાતો પુરી પાડવા આહવાન કરતાં તેમ છતાં સાહેબે તે ઠુકરાવી આજીવન વ્યવસાય જોડે સંલગ્ન રહ્યા. સમ્યક જ્ઞાન, અધ્યાત્મ પરંપરાને દિપાવી સદાકાળ અમર થઈ ગયા!!
કાકડવા   – કનોજ મહારાજ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દુનિયામાં અગ્રેસર તા.૨૨ જાન્યુઆરી,૨૦૨૪ ને દિવસે અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા રંગેચંગે થઇ જેનું જીવંત પ્રસારણ દેશ અને દુનિયાએ જોયું પણ ખરું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાષણ પણ ખૂબ જ સુંદર રહ્યું. પણ દરેક સિક્કાનાં બે પાસાં હોય, જમા અને ઉધાર. અહીં ઉધાર કરતાં જમા પાસું વધારે છે. જે જમા પાસું છે તે એ છે કે જે વ્યક્તિએ લલાની મૂર્તિ કંડારી તેને, જેઓએ ફૂલ વેચ્યાં તેમને, જેમની જમીન સંપાદિત થઇ તેમને અને જેમણે મંદિરનું બાંધકામ કર્યું તે તમામને રોજીરોટી મળી.

ઉપરાંત આ સ્થળનો પર્યટન સ્થળ તરીકે ઉપયોગ થશે તેમાંથી અનેકોને આવક થશે. ઉપરાંત આ આખી પ્રક્રિયામાં જેમણે પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે તે બધાને ધન્યવાદ આપીએ. હા, એક મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ સહિત જેમને પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જેમણે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તેઓએ જાતે કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે અને એટલે અયોધ્યાની આ પ્રાણ પ્રતિષ્ઠા જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મહત્ત્વનું પરિબળ સાબિત થાય તો કહેવાય નહીં. ટૂંકમાં આ પ્રાણ પ્રતિષ્ઠાને લીધે દેશનું નામ દુનિયામાં પણ અગ્રેસર થયું છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top