આણંદ તા.23
આણંદ જિલ્લા પંચાયતની મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષે રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત મહેકમ ઘટ, 15મા નાણા પંચની ગ્રાન્ટ પડી રહી સહિતના મુદ્દે શાસક પક્ષને મુંઝવણમાં મુકી દીધાં હતાં. આ બેઠકમાં અન્ય 16 જેટલા ઠરાવો મંજુર કરવામાં આવ્યાં હતાં.
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલ રાખવા, અમલીકરણ નોંધને બહાલ રાખવા તથા ગેરહાજર સભ્યોની રજા મંજુર કરવાનો ઠરાવ સર્વાનુમત્તે મજુર થયો હતો. બાદમાં કામ નં.4માં પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો હતો. જેમાં વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા રોડ મંજુર થયાં ? કેટલા પૂર્ણ થયાં ? કેટલા બાકી છે ? ક્યા ક્યા રોડ પૂર્ણ થયા નથી ? પૂર્ણ કરવાનું કોઇ આયોજન છે ? તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં માર્ગ – મકાન વિભાગ (પંચાયત)ના અધિકારી મુંઝવણમાં મુકાઇ ગયાં હતાં. કારણ કે, વર્ષ 2019-20માં ટેન્ડરીંગ કરાયેલા 12 જેટલા રસ્તા હજુ અધુરા છે. કોન્ટ્રાક્ટર અડધુ કામ મુકી ભાગી ગયો છે. અધિકારી પાસે આ અંગે યોગ્ય જવાબ નહતો. આખરે પોતાના બચાવમાં અધિકારીએ કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરી નવેસરથી મંજુરી લઇ નવા એસઓઆર મુજબ ટેન્ડરીંગ કરવા અથવા કોન્ટ્રાક્ટર પાસે કામ પૂર્ણ કરવા સુધીની બાહેંધરી આપી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના મહેકમ ઘટ, 15મા નાણા પંચની ગ્રાન્ટનો ઉપયોગ સહિતના મુદ્દે વિપક્ષે પ્રશ્નોત્તરી કરી હતી.
આણંદ જિલ્લા પંચાયતના કામ નં.6માં 15મા નાણાપંચ (દસ ટકા) ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2024-25નું જિલ્લા કક્ષાના કામો મંજુર કરવા, ફેરફાર – સુધારણા કામોને બહાલ આપવી, સ્વભંડોળના ગ્રાન્ટના કામોમાં ફેરફાર કરવા અને તેને બહાલી આપવા સહિતના કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, શાખાના વડાના વિગેરે હાજર રહ્યાં હતાં.
આણંદ જિલ્લાના 12 રસ્તા 4 વર્ષથી અધૂરાં
By
Posted on