Vadodara

પેટલાદમાં રામજી કી નીકલી સવારી : ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા

પેટલાદ સોમવારે રામમય બન્યું હતું. ઐતિહાસિક પેટલાદ નગરમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોમવાર બપોરે અયોધ્યા ખાતે ભગવાન રામજી બિરાજમાન થયા હતા. જેના સીધા જીવંત પ્રસારણની એલસીડી થકી નગરજનોને બતાવવા રણછોડજી મંદિર પાસે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પૂર્ણ થતાં શહેરના રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે મુખ્ય રાજમાર્ગો ઉપર ફરતાં જયશ્રી રામ, જય જયશ્રી રામના નારાથી શહેરની ગલી ગલી ગુંજી ઉઠી હતી. અયોધ્યા ખાતે અભિજીત મુહુર્તમાં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. જે પૂર્વે પેટલાદમાં 20મી જાન્યુઆરીથી ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. શહેરમાં યોજાયેલ ત્રિદિવસીય કાર્યક્રમોમાં રાત્રે ભજન, ડાયરો, સુંદરકાંડના પાઠ વગેરે રાખવામાં આવ્યા હતા. ઉપરાંત 21મી અને 22મીના રોજ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર વહેલી સવારે પ્રભાતફેરી નીકળી હતી. શ્રીરામ જય રામ, જય જય રામના નારા સાથે રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.‌ શહેરના અતિપ્રાચિન રામનાથ મંદિર ખાતે સોમવાર સવારે આશરે 500 જેટલી વાનગીઓનો અન્નકુટોત્સવ યોજાયો હતો. અહીયા પણ બપોરે બાર કલાકથી રામધૂન શરૂ થઈ હતી. જે પૂર્ણ થયા બાદ બપોરે 12.39 મિનિટે ભગવાન રામજીની આરતી કરવામાં આવી હતી. ખાસ નોધપાત્ર બાબત એ છે કે અહિયા આરતી મંદિરની સફાઈનું કામકાજ કરનાર સફાઈ કામદાર સંતોષ જાદવના હસ્તે કરવામાં આવી હતી. આ ત્રણ દિવસ દરમ્યાન વર્ષ 1990 અને 1992ની કારસેવામાં જનાર કારસેવકોનું નાગરકુવા ચોક ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના જીવંત પ્રસારણ પૂર્ણ થતાં કસ્બા સ્થિત રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરના રાજમાર્ગો ઉપર રામજી કી નીકલી સવારી… ના નારા ગુંજી ઉઠ્યા હતા. આ ઐતિહાસિક અને પવિત્ર દિવસની ઉજવણી તથા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમીત્તે ઠેરઠેર ભોજન પ્રસાદીનું આયોજન મંડળો કે સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીર ઃ વિનાયક આણંદજીવાલા

Most Popular

To Top