Editorial

આર્થિક અને રાજકીય સંકટ ધરાવતા પાકિસ્તાનના સરહદ સાથે સંકળાયેલા ત્રણેય દેશ સાથે સારા સંબંધ રહ્યાં નથી

થોડો સમય અગાઉ પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા બે હુમલામાં ઓછામાં ઓછા 14 સૈનિકો માર્યા ગયા હતા. આતંકીઓએ ગ્વાદર અને મિયાંવાલીમાં ટ્રેનિંગ બેઝ કેમ્પ પર હુમલો કર્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનની સેનાની હાલત વધુ ખરાબ થવા જઈ રહી છે. આતંકવાદીઓએ માત્ર આનું પરીક્ષણ કર્યું છે. તેઓ ભવિષ્યમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. 2014માં પણ ભારે નુકસાન સહન કર્યા બાદ પાકિસ્તાની સેનાએ આતંકીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પણ સામેલ હતું. જો કે આ વખતે પાકિસ્તાને આતંકવાદી સંગઠન વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહી કરી નથી.

તાલિબાન પણ પાકિસ્તાન માટે ગળાનો કાંટો બની ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં તાલિબાન સાથે સંકળાયેલા સંગઠનો મજબૂત બન્યા છે. એક નિષ્ણાતે કહ્યું કે, TTP હવે ખૂબ જ મજબૂત બની ગયું છે. તેને કંધારમાંથી હથિયાર અને પૈસા મળી રહ્યા છે. તાલિબાન હક્કાની નેટવર્ક સામે મોટી સેના તૈયાર કરવા માંગે છે. જેના કારણે આ દિવસોમાં પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે 2014ના ઓપરેશન બાદ ટીટીપી નબળી પડી ગઈ હતી પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી સાથે તે પણ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

હજુ તો આ સ્થિતિ ચાલુ જ છે તેની વચ્ચે ઈરાને પાકિસ્તાન પર એર મિસાઈલ છોડીને સમગ્ર દુનિયાને અચંબામાં મૂક્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ‘સરમાચાર’ તરીકે ઓળખાતા ઉગ્રવાદીઓ વિશે તેણે ઈરાનને વારંવાર માહિતી અને પુરાવાઓ આપ્યા હતા પરંતુ ઈરાન કોઈ પગલાં ભરી રહ્યું ન હતું.” આથી પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે પાકિસ્તાને આ ઑપરેશન કર્યું છે. ગઈકાલે ઈરાને કહ્યું હતું કે, તેણે પાકિસ્તાનમાં ઉગ્રવાદી જૂથ જૈશ-અલ-અદલનાં ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.

પરંતુ પાકિસ્તાને આ વાતને નકારતાં તેને એક ‘ગેરકાયદેસર કૃત્ય’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ ‘ગંભીર પરિણામો’ તરફ દોરી જઈ શકે છે. ખૂબ સખત શબ્દોમાં આપેલા નિવેદનમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઈરાન દ્વારા તેના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની ભારપૂર્વક ટીકા કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે આ પ્રકારની ઘટના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેણે એમ પણ ઉમેર્યું હતું કે,”પાકિસ્તાન અને ઈરાન વચ્ચે અનેક પ્રકારની વાટાઘાટો અને સંવાદ ચાલતા હોવા છતાં પણ ઈરાને આ પ્રકારનું પગલું ભર્યું તે નિંદાજનક છે.”

પાકિસ્તાને તેહરાન સ્થિત વિદેશ મંત્રાલયના સંબંધિત ઈરાનના ઉચ્ચ અધિકારી સાથે પણ આ વાત કરી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, “આ પાકિસ્તાનની સંપ્રભુતાનું છડેચોક કરવામાં આવેલું ઉલ્લંઘન છે. હવે જો કંઈ પણ થાય તો તેના માટે જવાબદાર ઈરાન રહેશે.” આમ, બંને દેશો વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થતાં પાકિસ્તાન પણ વળતો હુમલો કરશે તેવી આશંકા સેવાતી હતી. એ પહેલાં ઈરાને સોમવારે 15 જાન્યુઆરીના રોજ ઇરાકના ઉત્તરી પ્રાંત ઇરબિલ પર પણ હુમલો કર્યો હતો. જેની અમેરિકાએ પણ ટીકા કરી હતી. ઇરાક અને સીરિયા પછી પાકિસ્તાન ત્રીજો દેશ છે જેના પર છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાને હુમલા કર્યા છે. ઈરાનના આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે પહેલાંથી જ મધ્ય-પૂર્વના દેશોમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ છે. હમાસને ઈરાનનું સમર્થન છે તેમ માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષો થી તણાવ રહ્યો છે.

આમ પાકિસ્તાનની સરહદ સાથે લાગેલા ત્રણ દેશ સાથે તેના સંબંધ બગડી ચૂક્યા છે. એટલું જ નહીં બલોચ આંદોલન પણ ચરમ સીમાએ છે એટલે પહેલેથી રાજકીય અને આર્થિક સંકટ ઘેરાયેલું છે એટલે તેની સ્થિતિ વધુ ડામાડોળ બની જશે એ વાતમાં કોઈ બેમત નથી ઈરાનની એર-સ્ટ્રાઈકનો જવાબ પાકિસ્તાને હવાઈ હુમલા દ્વારા આપ્યો છે. તેમાં ૯ લોકોના મૃત્યુ પણ થયા છે. પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે, તેઓ બધા ઈરાની ન હતા. પાકિસ્તાનનું કહેવું છે કે માર્યા ગયેલા અને પાકિસ્તાન વંશના હતા. અને તેઓ અરમાયર જૂથ સાથે સંકળાયેલા હતા. આ પરિસ્થિતિમાં બાયડેને જણાવ્યું છે કે, હું ઈરાન જે રીતે તે ક્ષેત્ર (મધ્ય પૂર્વ અને પશ્ચિમ એરિયા) તંગદિલી પૂર્ણ બનાવી રહ્યું છે તે હું પસંદ નથી કરતો.

વાત સીધી અને સાદી છે. ઈરાન અમેરિકાને દુશ્મન માને છે. તેણે પણ એટમ બોંબ બનાવી લીધો હોવાનું કહેવાય છે. પાકિસ્તાન પાસે તો એ-બોંબનો ખજાનો છે જ. હવે જો યુદ્ધ વધુ વકરી જાય તો તે અમેરિકા માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બની રહે. ઈરાનને સુની તેવા ઇરાક અને સીરીયા ઉપર હુમલા શરૂ કરી દીધા છે. પાકિસ્તાન સાથે ખરી ઠની-ગઈ છે. બંને દેશોએ પોત પોતાના રાષ્ટ્રોને દુશ્મન દેશમાંથી પાછા બોલાવી લીધા છે. ભૂમધ્ય સમુદ્ર તટે ઇઝરાયલ હમાસ યુદ્ધ ચાલે છે. ટૂંકમાં મધ્ય પૂર્વમાં સ્ફોટક સ્થિતિ ઉપસ્થિત થઇ છે. તેથી અમેરિકા સહિત દુનિયા ચિંતાગ્રસ્ત છે. તેમાં ઇરાને વધારો કર્યો છે.

Most Popular

To Top