નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 22 જાન્યુઆરીએ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા 11 દિવસની વિશેષ વિધિઓનું (Rituals) પાલન કરી રહ્યા છે. આ અંતર્ગત તેઓ દેશભરમાં ભગવાન રામ (Lord Ram) સાથે જોડાયેલા મુખ્ય મંદિરોમાં જઈને પૂજા કરી રહ્યા છે. આ અંતર્ગત શનિવારે તેમણે તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિર અને રામેશ્વરના રામનાથસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવે છે કે આ બંને મંદિરો ભગવાન રામના જીવન સાથે જોડાયેલા છે. રામેશ્વરમના કિનારે આજે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી પૂજા પણ આ જ વિધિનો એક ભાગ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીબ આજે રવિવારે તમિલનાડુના રામેશ્વરમમાં અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા હતા. તેમણે અહીં વહેલી સવારે પૂજા વિધિ કરી હતી. એવું માનવામાં આવે છે કે અરિચલ મુનાઈ એ જ સ્થાન છે જ્યાંથી લંકા સુધી રામ સેતુનું નિર્માણ શરૂ થયું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ રામેશ્વરમમાં કોડંદરામસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી. કોડંદરામ નામનો અર્થ થાય છે ધનુષવાળા રામ. માનવામાં આવે છે કે અહીં જ વિભીષણ ભગવાન રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસેથી આશ્રય માંગ્યો હતો. એવી પણ માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.
પીએમ મોદી શનિવારે રામેશ્વરમ પહોંચ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુ પહોંચ્યા હતા. ત્યાં તેમણે શનિવારે તિરુચિરાપલ્લીમાં શ્રીરંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ બપોરે તેમણે રામેશ્વરમમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન રામેશ્વરમના અગ્નિતીર્થમ બીચ પર ગયા અને સમુદ્રમાં ડૂબકી લગાવી અને ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. તેમજ પીએમ મોદીએ રામાયણના પાઠ અને ભજન સાંજે પણ ભાગ લીધો હતો.
22 જાન્યુઆરીએ PM મોદીનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે
22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક કાર્યક્રમ યોજાશે. દરમિયાન વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે અયોધ્યા પહોંચશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર પહોંચશે. તેઓ અહીં લગભગ ત્રણ કલાક રોકાશે. આ દરમિયાન વડાપ્રધાન ભગવાન રામની પ્રતિમા પર બાંધેલી પટ્ટી ખોલશે અને રામ લલ્લાને સોનાની સોયથી કાજલ લગાવશે અને તેમને અરીસો બતાવશે. ત્યાર બાદ વડાપ્રધાન અયોધ્યામાં જનસભાને પણ સંબોધિત કરશે અને બપોરે 3.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.