National

અસ્થાયી ગર્ભગૃહમાં રામલલાના દર્શન બંધ, 23 જાન્યુ.થી કરાશે દર્શન, PM મોદી 22મીએ પહોંચશે અયોધ્યા

અયોધ્યા: (Ayodhya) ભગવાન શ્રી રામ (Ram) તેમના શહેર અયોધ્યામાં ટૂંક સમયમાં ગર્ભગૃહમાં બિરાજમાન થઈ તેમના ભક્તોને દર્શન આપશે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો આજે પાંચમો દિવસ છે. આજથી રામલલાને અસ્થાયી ગર્ભગૃહમાં જોઈ શકાશે નહીં. અહીં તેમને દર્શન બંધ કરવામાં આવ્યા છે. હવે 22મી જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય કાર્યક્રમ બાદ 23મી જાન્યુઆરીથી ભગવાન શ્રી રામ પોતાના ભક્તોને (Devotees) દર્શન આપશે. હાલ રામનગર ફૂલોથી સજાવાઈ રહી છે. મંદિરમાં પણ ભવ્ય સજાવટ કરવામાં આવી રહી છે.

દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અયોધ્યાનો કાર્યક્રમ પણ સામે આવ્યો છે. વડાપ્રધાન 22 જાન્યુઆરી એટલે કે પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જ અયોધ્યા આવશે. તેઓ અહીં 4 કલાક રોકાશે. પીએમ મોદી સવારે 10.30 વાગ્યે અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. તેઓ 11 વાગ્યે રામમંદિર પહોંચશે. અહીં તેઓ 3 કલાક રોકાશે. પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપતા પહેલા પીએમ મોદી રામમંદિર પરિસરમાં સ્થાપિત જટાયુની પ્રતિમાનું ઉદ્ઘાટન અને પૂજન કરશે. કાર્યક્રમમાં પીએમ મોદી, મોહન ભાગવત અને ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ પોતાના વિચારો રજૂ કરશે. આ પછી બપોરે 3.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીનાં અયોધ્યામાં રામમંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય યજમાન રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આઠ હજારથી વધુ VVIP મહેમાનો સામેલ થશે. મોટા સાધુ સંતો, રાજનેતાઓ, અભિનેતાઓ, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકો સમારોહમાં સામેલ થશે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં વિદેશમાંથી પણ અનેક મહેમાનો જોડાશે. જેને લઈને સુરક્ષાની પૂરેપૂરી તૈયારી કરી લેવાઈ છે. NDRFની ટીમો દરેક પડકારનો સામનો કરવા તૈયાર રહેશે. અયોધ્યાના ડીઆઈજી મનોજ શર્માએ કહ્યું કે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને અમારી 3 ટીમો અહીં તૈનાત છે. અમે સ્થાનિક પ્રશાસન અને પોલીસ સાથે સંકલનમાં ટીમો તૈનાત કરી છે. અમારી એક ટીમ ઘાટ પર તૈનાત છે.

PM મોદીનો અયોધ્યા શિડ્યૂલ
PM મોદી સોમવારે 22 જાન્યુઆરીનાં સવારે 10.25 કલાકે અયોધ્યા એરપોર્ટ પહોંચશે અને 10.55 કલાકે શ્રીરામ જન્મભૂમિ મંદિર પહોંચશે. બપોરે 12.05 કલાકે શ્રીરામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. આ બાદ બપોર 1 કલાકે અયોધ્યામાં સાર્વજનિક કાર્યક્રમમાં જોડાશે. બપોરે 2.15 કલાકે કુબેર ટીલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તેઓ બપોરે 3.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top