આણંદ, તા.16
ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ અને જયા ફાઉન્ડેશનના ચેરમેન અરવિંદભાઈ શાહે ‘જયા રિહેબિલિટેશન સેન્ટર અને રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, જયા ફાઉન્ડેશન આ આધુનિક સેન્ટર શરૂ કરવા માટે પ્રથમ તબક્કામાં 15 કરોડનું માતબર દાન પૂરું પાડશે. જેના માટે અમે અરવિંદભાઈ અને જયાબેનના ખૂબ જ આભારી છીએ. આ આધુનિક સેન્ટર (જયા રિહેબિલિટેશન સેન્ટર અને રીસર્ચ ઈન્સ્ટિટયૂટ)નો લાભ ફક્ત ગુજરાતના જ નહીં પણ પાડોશી રાજ્યોના દર્દીઓ મેળવી શકશે.
વધુમાં અરવિંદભાઈએ જણાવ્યું કે, હું અને મારી પત્ની જયા છેલ્લા 50 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છીએ. અને અમે માનવસેવા કરવા માટે કટિબદ્ધ હતા. જેથી વર્ષ 2005માં અમે બિદડા ખાતે સૌપ્રથમ રિહેબિલિટેશન શરૂ કર્યું. આ સેન્ટરને સુંદર કામગીરી માટે વર્ષ 2011માં રાષ્ટ્રપતિ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ અમે પાલીતાણા ખાતે વર્ષ 2018માં રિહેબિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે. જેમાં એક હજારથી વધુ જૈન સાધુ સાધ્વીઓ લાભ લઈ રહ્યા છે. મધ્ય ગુજરાતમાં અમે કરમસદમાં રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું જેથી આજરોજ સેન્ટર શરૂ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભાઈકાકા યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ ઍક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ કરવા માટે ઇચ્છા ધરાવીએ છીએ. જયા ફાઉન્ડેશનના મુકેશભાઈએ જણાવ્યું કે, આ રિહેબિલિટેશન સેન્ટર દરેક વ્યક્તિને ઉપયોગી પૂરવાર થશે. આ સેન્ટરમાં રોબોટિક એ.આઈ. ટેકનોલૉજી પણ વિકસાવવામાં આવશે. જ્યારે ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત કે.એમ. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફીઝિયોથેરાપી કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. આર. હરિહરાએ જણાવ્યું કે, આ સેન્ટરની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સ્ટ્રોક, કરોડ રજ્જુની ઈજાઓ, મગજનો લકવો, હાઈપર ઍક્ટિવ ડિસઓર્ડર વગેરેના દર્દીઓની વિકલાંગતા ઘટાડવા માટે સારવાર પૂરી પાડવાનો છે. સાથે સાથે વિકલાંગતા ધરાવતા દર્દીઓ સ્વતંત્ર રીતે પોતાની રોજીંદી જીંદગી જીવી શકે તે માટે તેમને શિક્ષણ પૂરી પાડવું તથા વિવિધ મનોરંજન પ્રવૃત્તિમાં ભાગ લેવડાવવો વગેરેનો સમાવેશ થાય છે. આ અત્યાધુનિક સેન્ટરમાં એક જ છત નીચે ફીઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, ઓર્થોટિક અને પ્રોસ્થેટિક ઉપકરણો વગેરે સહિત વાજબી દરે પુનઃવસનની વિસ્તૃત સંભાળ પૂરી પાડવામાં આવશે. કાર્યક્રમના અંતે ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળના માનદમંત્રી જાગૃત ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. હરિશ દેસાઈ, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત યુનિવર્સિટીના પ્રિન્સિપાલ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના મૅડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જીતેશ દેસાઈ, આણંદ ભાજપના સાંસદ મિતેશભાઈ પટેલ, જીલ્લા પુરવઠા અધિકારી શિવાનીબેન શાહ વિગેરે હાજર રહ્યાં હતાં.
કરમસદમાં 15 કરોડના ખર્ચે રિહેબિલીટેશન સેન્ટર બનશે
By
Posted on