સુરત: (Surat) ડિંડોલીમાં શારદાયતન સ્કૂલના (School) શિક્ષકે બે ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતાં. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતાં એકને વીજ કરંટ (Electric Current) લાગ્યો હતો. જેથી ભાઈને બચાવવા જતાં બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
- ડિંડોલીમાં સ્કૂલની અગાસી સાફ કરતા બે ભાઈઓને વીજ કરંટ લાગ્યો, એકની તબિયત ગંભીર
- સ્કૂલના શિક્ષકે અમારા બાળકને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા
- પતંગની દોરી ખેંચવા જતાં વીજ કરંટ લાગતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ડિંડોલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સીમાં, પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. પરમેશ્વરનાં સંતાન પૈકી શિવમ (13 વર્ષ) અને શિવા (15 વર્ષ) બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા નગર-2 ખાડી પાસે ખોડીયાર નગર ખાતે આવેલ શારદાયતન સ્કૂલના ધોરણ 6માં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા. તે દરમિયાન સ્કૂલના ખુંના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા.
જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા. ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. શિવાને બચાવવા જતાં શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો. જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી શિવાને વધુ સારવાર માટે વેસુ ચાર રસ્તા પાસે આવેલ સંજવની હોસ્પિટલમાં લઈને ગયા હતા. વીજ કરંટને કારણે શિવા 60થી 65% જેટલો દાઝી ગયો હતો. જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ શિવમની તબિયત સ્થિર છે.